ઇસ્લામાબાદઃ કોઇ પણ બેન્કનું એટીએમ સામાન્ય રીતે સુગમતા માટે હોય છે, પણ જ્યારે છેક અંતરિયાળ વિસ્તારમાં એટીએમ હોય કે પર્વતની ટોચે એટીએમ હોય ત્યારે તે સવલત કરતાં સેવા વધુ હોય છે. હાલ એવા જ એટીએમની વાત અખબારોમાં ચમકી છે જે દરિયાઈ સપાટીથી 15,397 ફૂટ (4,693 મીટર) ઊંચે કાર્યરત છે. આ એટીએમને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. નેશનલ બેન્ક ઓફ પાકિસ્તાન દ્વારા સંચાલિત આ એટીએમ ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં સ્થપાયું છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન તે ખુંજરબ પાસ નામના સ્થળે આવ્યું છે. કારાકોરમ્ પર્વતમાળામાં પાકિસ્તાન લશ્કરની મદદથી આ એટીએમ લગાવવામાં આવ્યું છે. સામાન્ય એટીએમના ઇન્સ્ટોલેશનમાં એકાદ-બે દિવસ માંડ લાગતા હોય છે, પણ 2016માં સ્થપાયેલા આ એટીએમના ઈન્સ્ટોલેશનમાં ચાર મહિના લાગ્યા હતા.
કોઇને પણ પહેલો સવાલ એ થાય કે આટલે ઊંચે એટીએમ માટે જરૂરી વીજપુરવઠા માટે ક્યા પ્રકારે વીજવ્યવસ્થા ગોઠવાઇ હશે. તો જાણી લો કે આ એટીએમ સોલર પાવર અને વિન્ડ પાવરથી ચાલે છે. આ એટીએમમાંથી રોકડ ઉપાડની સાથે સાથે કેશ ટ્રાન્સફર પણ થાય છે. અહીં ગમે તેટલું વિષમ હવામાન હોય પણ આ એટીએમ ક્યારેય સંપૂર્ણ ખાલી ન થઈ જાય તેનું બેન્કે ધ્યાન રાખવું પડે છે. મશીનમાં કોઈનું કાર્ડ ફસાઇ જાય તો બેન્ક તેનો તાત્કાલિક નિવેડો લાવે છે. આ એટીએમને સેટેલાઈટ કનેક્ટિવિટી પણ છે. જોકે, મશીન રિપેર કરવા માટે અહીં પહોંચતા વ્યક્તિને બે-અઢી કલાકનો સમય લાગે છે. એક યુટ્યુબરને આવો વિપરિત અનુભવ થઈ ચૂક્યો છે. તે નાણાં ઉપાડવા ગયો ત્યારે લાઈન ડાઉન થઈ ગઈ હતી.
આ એટીએમ પ્રવાસીઓમાં એટલું લોકપ્રિય છે કે લોકો તેની સાથે સેલ્ફી પણ લે છે. આ એટીએમ સુધી પહોંચવું હોય તો તમારે સોસ્તના ગામથી ત્રણ કલાકની બસ રાઈડ લેવી પડે છે. આ રસ્તા પરનો વ્યૂ જબરજસ્ત છે. આ એટીએમ ફક્ત રોકડ ઉપાડવાનું સ્થળ જ ન રહેતા ઊંચાઈ પરનું પ્રવાસન સ્થળ જેવું બની ગયું છે. કેટલાય લોકો ખાસ એટીએમ જોડે ફોટો પડાવવા આવે છે.
આ એટીએમ જ્યાં આવ્યું છે તે સ્થળ ખુંજરાબ નેશનલ પાર્ક છે અને સ્નો લેપર્ડનું રહેઠાણ મનાય છે. આ સ્થળની મુલાકાત લઈને પછી કોઈ તેના વખાણ કર્યા વગર રહી શકતું નથી તેવી તેની રમણીયતા છે. આ વિસ્તારમાં મોટાભાગે પર્વતારોહકો વધુને વધુ પ્રમાણમાં આવે છે.