બેઈજિંગઃ વાળ કપાવવા માટે લોકો ઘણી વાર ઘણા મોંઘાદાટ સલુન્સમાં જતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય કલ્પના કરી છે કે વાળ કાપવાનું બિલ એટલું વધારે આવે કે તેને ચૂકવવા તમારે લોન લેવી પડે. આ વાત માન્યામાં ન આવે તેવી હોવા છતાં એકદમ સાચી છે.
આ ઘટના ચીનની છે. ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ અનુસાર આ ઘટના ચીનના જિયાંગજિયાંગ પ્રાંતના શહેર હાંગઝોઉમાં બની હતી. રેસ્ટોરાં વર્કર તરીકે કામ કરતા યુવક લીને તેના મિત્રે 20 યુઆન (આશરે 3 ડોલર)ની ગિફટ કૂપન આપી હતી. આ કૂપનના બદલામાં તેને બેઝિક હેરકટ મળવાની હતી. જોકે યુવક સલુનમાં પહોંચ્યો ત્યારે તેને કહેવાયું કે વાળ કપાવતા પહેલા હેર મસાજ કરાશે. આ પછી તેને ફેસપેક પણ લગાવાયું. આ માટે તેને 6 ડોલર ચાર્જ જણાવાયો હતો. યુવાન આ માટે સંમત થયો એટલે સલૂને તેને 5,000 યુઆન એટલે કે લગભગ 700 ડોલરનું ગિફટ કાર્ડ ખરીદવા કહ્યું હતું, જેથી તેને ઊંચું ડિસ્કાઉન્ટ મળી શકે.
આ દરમિયાન લીના ચહેરા પરથી ચશ્મા કાઢી લેવામાં આવ્યા હતા, જેથી તે રેટ લિસ્ટ બરાબર જોઈ શક્યો નહીં. સલુનના લોકોએ લીના માથા પર અને ચહેરા પર જાતભાતના લોશન અને ક્રીમ લગાવીને મસાજ કર્યા અને પછી હેરકટ કરી.
હેરકટ થઇ ગયા પછી જે બિલ આવ્યું તે જોઈને લી ચોંકી ગયો હતો. તેની પાસે જે ગિફટ કૂપન હતી તેની કિંમત માત્ર 20 યુઆન હતી, જ્યારે સલુનના લોકોએ તેને 10,000 યુઆન (1404 ડોલર)નું બિલ પકડાવ્યું હતું. રેસ્ટોરાંમાં કામ કરતો લી બિલનો આંકડો વાંચીને ધ્રુજી ગયો હતો કેમ કે આ બિલની ચૂકવણી તેના ગજા બહારની હતી. તેણે બિલના આંકડા મામલે સલુન સ્ટાફ સાથે દલીલબાજી શરૂ કરી, પણ તેની કોઇ વાતે કાને ધરાઇ નહીં.
સલુન સ્ટાફે તેનો મોબાઈલ લઈ લીધો અને ક્રેડિટ એપથી પરાણે લોન લેવડાવી. અને આ લોનના નાણાંથી લી પાસેથી બિલ વસૂલ્યું હતું. લીનો આરોપ છે કે વારંવાર વિનંતી કરવા છતાં પણ સલુને તેને રેટ લિસ્ટ બતાવાયું જ ન હતું. સાથે સાથે જ તેને ઊંચા ડિસ્કાઉન્ટની લાલચ આપીને તેનું બિલ પણ ખૂબ વધારી દીધું હતું. માત્ર 20 યુઆનનું ફ્રી કુપન વટાવવા જતાં લીને 10,000 યુઆનનો ચાંદલો થઇ ગયો છે.