વોશિંગ્ટનઃ દરિયાપારના દેશોમાં વસીને સફળતાના નવા શિખરો સર કરી દેશનું નામ ઉજાળનારા ભારતીય મૂળના લોકો કોરોના મહામારીની આ કટોકટીભરી પરિસ્થિતિમાં જન્મભૂમિનું ઋણ ચૂકવવા આગળ આવ્યા છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી સંસ્કૃત સુભાષિતને ચરિતાર્થ કરતા વિશ્વની સૌથી મોટી ટેક્નોલોજી કંપની ગુગલના સીઈઓ સુંદર પીચાઈ તથા માઈક્રોસોફ્ટ કોર્પોરેશનના વડા સત્યા નાદેલાએ ભારતને સંકટની આ ઘડીમાં સહાય કરવા મદદનો હાથ લંબાવ્યો છે.
ભારતની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં ગુગલના ભારતીય મૂળના સીઈઓ સુંદર પીચાઈએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે ભારતમાં કોરોના વાયરસની સ્થિતિથી હું અત્યંત વ્યથિત છું. ગુગલ અને ગુગલર્સ તબીબી પુરવઠા, હાઈ-રિસ્ક ધરાવતા લોકોને સહાય કરતી સંસ્થાઓ વગેરેને સહાય કરવા માટે @GiveIndia, @UNICEFને રૂ. ૧૩૫ કરોડની આર્થિક સહાય ઉપલબ્ધ બનાવી રહ્યાં છે. અન્ય એક ટ્વિટમાં માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના ભારતીય મૂળના સીઈઓ સત્યા નાદેલાએ જણાવ્યું હતું કે ભારતની વર્તમાન સ્થિતિ જોઈને અત્યંત દુઃખની લાગણી થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે તેમની કંપની ભારતમાં રાહત કાર્યોને વેગ આપવા માટે તથા ઓક્સિજન માટેના ઉપકરણો ખરીદવા માટેની કામગીરી સતત ચાલુ રાખશે.
નાદેલાએ ટ્વિટમાં જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાને લીધે સતત વણસી રહેલી સ્થિતિ જોઈને અત્યંત ગ્લાનિ અનુભવી રહ્યો છું. અમેરિકન સરકારે મદદ માટે શરૂ કરેલા પ્રયાસો બદલ હું તેમનો આભારી છું. ભારતને મદદ કરવા માટે માઈક્રોસોફ્ટ તેના સંસાધનો અને ટેક્નોલોજીનો શક્ય તેટલો કાર્યક્ષમતાથી ઉપયોગ કરવા ઉપરાંત ક્રિટિકલ ઓક્સિજન કોન્સન્ટ્રેશન ઉપકરણો ખરીદવામાં સહાય પૂરી પાડશે. પોતાના જ દેશમાંથી થયેલી ટીકાઓ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને ભારતીય મૂળના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ ભારતને જીવનરક્ષક દવાઓ અને ઉપકરણો સહિતની તમામ સહાય ત્વરિત ધોરણે ઉપલબ્ધ બનાવવાની ખાતરી આપી છે. બિડેને જણાવ્યું હતું કે જે રીતે ભારતે મહામારીના પ્રથમ તબક્કા દરમિયાન અમેરિકાને મદદ કરી હતી, તે જ પ્રમાણે અમે પણ ભારતને જરૂરિયાતના આ સમયે શક્ય તમામ સહાય ઉપલબ્ધ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે કોવિડ-૧૯ની સ્થિતિના નિયંત્રણ માટે અમેરિકન સરકાર ભારત સાથે સતત સંપર્કમાં છે. અમે ભારતને તમામ પ્રકારની સહાય ઉપલબ્ધ બનાવવાની સાથે સાથે જ દેશના તમામ નાગરિકો અને આરોગ્યકર્મીઓની સુખાકારી માટે પ્રાર્થના કરીએ છીએ.