પ્રિટોરિયાઃ દક્ષિણ આફ્રિકામાં છેલ્લાં ૨૧ વર્ષથી કાર્યરત બેંક ઓફ બરોડા (BOB)એ ભારતીય મૂળના બિઝનેસમેન ગુપ્તા બ્રધર્સના કૌભાંડના સંદર્ભમાં દેશમાંથી તેનુ કામકાજ આટોપી લેવાનો નિર્ણય કર્યો છે. બ્રાંચ આગામી તા. ૧ માર્ચથી નવી અથવા ઈન્ક્રિમેન્ટલ ડિપોઝીટ સ્વીકારશે નહીં. વધુમાં તા. ૩૧ માર્ચ, ૨૦૧૮થી બેંક તેનું તમામ કામકાજ સંપૂર્ણપણે બંધ કરી દેશે.
બેંકે ગુપ્તા બ્રધર્સ અને તેમના ખાસ મિત્ર દક્ષિણ આફ્રિકાના પ્રમુખ જેકબ ઝૂમા વચ્ચેના આર્થિક વ્યવહારો માટે સુવિધા પૂરી પાડી હતી. તે બદલ દક્ષિણ આફ્રિકાના બેંક રેગ્યુલેટરે બેંકને ૫૦૦,૦૦૦ પાઉન્ડ જેટલી રકમનો દંડ પણ કર્યો હતો. દંડ બાદ બેંકે સ્ટોક એક્સચેન્જોને જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકન રિઝર્વ બેંક (SARB) દ્વારા બેંક વિરુદ્ધના આક્ષેપોની તપાસ ચાલી રહી છે અને બેંક તપાસમાં સક્રિયપણે સંપૂર્ણ સહકાર આપી રહી છે. ગુપ્તા બ્રધર્સ એટલે કે અજય, અતુલ અને રાજેશ ગુપ્તા સાથેના વ્યવહારોમાં બેંકે એક જ પાર્ટીને ધીરાણ અંગેના નિયમોનો ભંગ કર્યો હતો.
BOBના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં બેંકનો બિઝનેસ વધાર નથી અને તે કામકાજ બંધ કરશે તો બેંકની નાણાંકીય સ્થિતિ પર કોઈ અસર પડશે નહીં.
SARBએ જણાવ્યું હતું કે તોઈ ડિપોઝીટરને ગેરલાભ ન થાય તે હેતુથી દેશમાંથી બેંકની યોગ્ય રીતે વિદાય અંગે રજિસ્ટ્રાર બેંક સાથે ચર્ચા કરી રહેલ છે.