પ્રિટોરિયાઃ દ.આફ્રિકાના મીનરલ રિસોર્સિસ મિનિસ્ટર મોસેબેન્ઝી ઝ્વાન, ગુપ્તા બંધુઓ અતુલ, રાજેશ અને અજય તથા તેમના સાથીદારો પર ટૂંક સમયમાં મની લોન્ડરિંગના આરોપની વકી છે. આ પહેલો સ્ટેટ કેપ્ચર કેસ હોવાનું અખબારના અહેવાલમાં છે.
ગરીબ ખેડૂતોના કલ્યાણ માટેના ૨૨૦ મિલિયનની કથિત ઉચાપતના નાણાં બંધુઓને વૈભવી જીવનશૈલી માટે પૂરા પાડવાની યોજનામાં ભૂમિકા બદલ ઝ્વેનને આરોપી નંબર ૧ બનાવાશે. જોકે, નેશનલ પ્રોસિક્યુટિંગ ઓથોરિટી (NPA) એ મની લોન્ડરિંગનો આરોપ મૂકવાના અહેવાલને નકારી કાઢતા કહ્યું કે હજુ કેટલાક પાસાની તપાસ ચાલે છે.
અતુલ, રાજેશ અને અજય ગુપ્તા તે પછીના ક્રમે હશે. અન્ય આરોપીઓમાં ગુપ્તાની માલિકીના ઓકબેના પૂર્વ સીઈઓ નઝીમ હોવા, સહારા કોમ્પ્યુટર્સના સીઈઓ આશુ ચાવલા, ઓકબેના સીઈઓ રોનિકા રાઘવન, સંબંધી વરુણ ગુપ્તા અને એસ્ટીનાના એકમાત્ર ડિરેક્ટર કમલ વસરામનો સમાવેશ થાય છે. ફ્રી સ્ટેટ ગવર્નમેન્ટ દ્વારા ઓકબેને આ રકમ ચૂકવાઈ હતી. NPAના પ્રવક્તા લુવુયો માફ્કુએ જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે. આ તબક્કે કોઈ નિર્ણય લેવાયો નથી. તેથી તપાસની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી આરોપ મૂકાયાનું કહી ન શકાય.
તેમણે જણાવ્યું હતું કે પબ્લિક પ્રોસિક્યુશન્સના નેશનલ ડિરેક્ટર પણ આરોપ મૂકવાની વાત સાથે સંમત નથી અને ‘કોઈની પણ વિરુદ્ધ કાર્યવાહી’નો કોઈ નિર્ણય નથી. તેમણે ઉમેર્યું હતું કે તપાસકર્તાઓ તપાસ પૂરી કર્યા પછી પ્રોસિક્યુટર્સને ડોકેટ સોંપશે.