વોશિંગ્ટનઃ ટેક સર્ચ એન્જિન જાયન્ટ તરીકે ગૂગલની ઈજારાશાહી તેના ટેકનોલોજી ઈનોવેશન્સને આભારી નથી, પણ દર વર્ષે સ્પર્ધા દૂર કરવા માટે ખર્ચાતા 20 બિલિયન ડોલરને આભારી છે. અમેરિકી ન્યાય વિભાગના વકીલોએ ગૂગલ સામેના એન્ટિ-ટ્રસ્ટ કેસની સુનાવણી દરમિયાન રજૂ કરેલી દલીલોમાં આ મુદ્દો કેન્દ્રસ્થાને છે. બીજી તરફ ગૂગલનો દાવો છે કે તેણે ગ્રાહકોને તેમની ઈચ્છા મુજબની પ્રોડક્ટ પૂરું પાડવામાં સફળતા મેળવી છે.
ગેરકાયદે ઇજારાશાહીના આ કેસમાં સુનાવણી હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે અને ગૂગલનું ભાવિ હવે ગુજરાતી મૂળના જજ અમિત મહેતાના હાથમાં છે. જજ મહેતા ગૂગલના એન્ટિ ટ્રસ્ટ કેસની સુનાવણી કરી રહ્યા છે. એન્ટિ ટ્રસ્ટનો કેસ છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયને આવરી લે છે. તેમાં કંપનીએ સ્પર્ધા દૂર કરવા માટે કે ઓછી કરવા માટે કરેલા કોન્ટ્રાક્ટ્સને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આ કોન્ટ્રાક્ટ્સમાં ગૂગલ અને એપલ વચ્ચેના કોન્ટ્રાક્ટનો સમાવેશ થાય છે. તેના લીધે એપલના ફોનમાં અને કમ્પ્યુટર્સમાં ગૂગલ પ્રિલોડેડ એટલે કે બાયડિફોલ્ટ આવે છે. અહીં બીજા કોઈ સર્ચ એન્જિનને અવકાશ જ રહેતો નથી.
ટ્રાયલ દરમિયાનના પુરાવાઓએ દર્શાવ્યું હતું કે ગૂગલ આ પ્રકારના કોન્ટ્રાક્ટ પાછળ વર્ષે 20 બિલિયન ડોલરથી (રૂ. 1.6 લાખ કરોડથી) પણ વધુ રકમ ખર્ચે છે. ન્યાય વિભાગે જણાવ્યું હતું કે ગૂગલ દ્વારા ખર્ચાતી આ જંગી રકમ તે વાતનો પુરાવો છે કે ગૂગલ માટે બાયડિફોલ્ટ સર્ચ એન્જિન બનવું કેટલું મહત્ત્વનું છે અને આ રીતે તે બાય ડિફોલ્ટ સર્ચ એન્જિન બનીને તેના હરીફોને તેમના ટેકનાલોજીકલ સ્કીલના આધારે આગળ વધતા અટકાવી દે છે. આ રીતે ગૂગલે તેનો બજારહિસ્સો મેળવ્યો છે.