ઈસ્લામાબાદઃ ગૂગલ પર ભિખારી શબ્દ સર્ચ કરો અને જે તસવીરો દેખાય તેમાં એક તસવીર પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની પણ હોય છે. આર્થિક સંકટના કારણે ઈમરાન ખાન મદદ માટે વિદેશ પ્રવાસ કરી રહ્યા છે ત્યારે ઘણા લોકો મજાકમાં પાકિસ્તાન ભીખનો કટોરો લઈને નીકળ્યું હોવાનું કહે છે. આ પહેલાં ‘ઈડિયટ’ શબ્દ સર્ચ કરવાથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો સામે આવતો હોવાથી ગૂગલના સીઈઓ પિચાઈએ અમેરિકન સંસદ સમક્ષ જવાબ આપવા હાજર થવું પડ્યું હતું. પિચાઈએ સફાઈ આપી હતી કે ગૂગલ દ્વારા આ પ્રકારનું કૃત્ય થતું નથી અને ગૂગલમાં કોઈ ચેડા કરી શકે તેવું શક્ય પણ નથી કારણ કે સર્ચિંગ મામલે આ ખૂબ જ જટિલ હોય.
જોકે ગૂગલ પર આ પ્રકારની સ્થિતિ સર્જાવાથી વૈશ્વિક સ્તરે ફજેતો થયા બાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતની વિધાનસભામાં એક પ્રસ્તાવ રજૂ કરાયો છે. જેમાં ગૂગલના સીઈઓને સમન્સ પાઠવીને પૂછવામાં આવ્યું છે કે સર્ચ એન્જિન પર ભિખારી શબ્દ ટાઈપ કરવાથી ઈમરાન ખાનનો ફોટો પણ કેમ દેખાય છે? પાકિસ્તાનના એક પત્રકારે આ પ્રસ્તાવ અને ઈમરાનનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પાકિસ્તાનના નાગરિકોએ પણ સોશિયલ મીડિયામાં ગૂગલની ઝાટકણી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે આર્થિક મદદ માટે પાકિસ્તાન સાઉદી અરેબિયા, ચીન પાસે હાથ ફેલાવી ચૂક્યું છે. સાઉદીએ ૬ અબજ ડોલરની લોન આપવાનો વાયદો પણ કર્યો છે. તેના સિવાય પાકિસ્તાને આઈએમએફનો પણ સંપર્ક કર્યો છે.