વોશિંગ્ટનઃ ગૂગલના ભારતીય મૂળના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) સુંદર પિચાઈ ગયા સપ્તાહે અમેરિકી સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા તે વેળા એક રમૂજી ઘટના બની હતી. ડેમોક્રેટિક પાર્ટીના મહિલા સાંસદ જો લોફગ્રેને પિચાઈને પૂછયું કે ગૂગલ પર idoit (ઇડિયટ) શબ્દ સર્ચ કરવાથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો કેમ આવે છે. એવું શું થઈ જાય છે. આ રાજકીય ભેદભાવ તો નથી?
આના જવાબમાં પિચાઈએ કહ્યું હતું કે ગૂગલ સર્ચનું રિઝલ્ટ અબજો કી વડર્સની રેન્કિંગના આધારે આવે છે. આ રેન્કિંગ રિલેવન્સ અને પોપ્યુલારિટી જેવા ૨૦૦ પરિબળોના આધારે નક્કી થતું હોય છે. રિપબ્લિકન સાંસદોએ ગૂગલના કર્મચારીઓ પર સર્ચ રિઝલ્ટમાં છેડછાડનો આક્ષેપ કર્યો હતો તે સંદર્ભમાં આ સવાલ પૂછાયો હતો. આ પછી પિચાઇને પૂછાયું હતું કે શું કોઈ કર્મચારીને ગૂગલ સર્ચ રિઝલ્ટ સાથે છેડછાડ કરવાનું કહેવાય છે? તેવા સવાલના જવાબમાં પિચાઈએ કહ્યું કે કોઈ પણ એક વ્યક્તિ કે સમૂહ માટે આ શક્ય નથી કારણ કે તેમાં અનેક જટિલતા હોય છે. પિચાઈને રિઝલ્ટમાં રાજકીય વલણ, એન્ડ્રોઇડ દ્વારા એકત્રિત ડેટાના ઉપયોગ વગેરે અંગે પણ સવાલ કરાયા હતા. પિચાઈએ કહ્યું કે ગૂગલ સર્ચના પરિણામ રાજકીય દૃષ્ટિકોણ આધારિત નથી હોતા.
શબ્દ ૧૦ લાખ વાર સર્ચ કરાયો
આ સમાચાર જાહેર થતાં જ ગૂગલ પર ઇડિયટ શબ્દ ૧૦ લાખ વાર સર્ચ કરાયો હતો. ગૂગલના જણાવ્યા અનુસાર અમેરિકામાં આ શબ્દ સૌથી વધુ સર્ચ કરાઈ રહ્યો છે. ૨૦૦૩માં મિઝરેબલ ફેલ્યોર સર્ચ કરવાથી ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશનો ફોટો આવતો હતો. ઇન્ટરનેટ સર્ચના ૯૩ ટકા બજાર પર ગૂગલનો કબજો છે તે ઉલ્લેખનીય છે.