શાર્લોટ: અમેરિકાના નોર્થ કેરોલિનામાં ગૂગલ મેપ્સને ફોલો કરીને ડ્રાઇવ કરીને જઈ રહેલા એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. હવે મૃતકના પરિવારે ટેક કંપની ગૂગલ સામે બેદરકારીનો કેસ દાખલ કર્યો છે. ગૂગલ મેપ્સને ફોલો કરતાં ફિલિપ પેક્સનનું ગયા વર્ષે 30 સપ્ટેમ્બરે અવસાન થયું હતું, પણ કોર્ટમાં વળતર માટે કેસ થતાં વાત હવે બહાર આવી છે. પેક્સન જીપીએસની મદદથી અજાણ્યા રૂટ પર મુસાફરી કરી રહ્યો હતો. ગૂગલ મેપ્સ તેને જે પુલ પર જવા જણાવ્યું હતું તે તૂટી ગયેલો હતો. પેક્સન કંઈ સમજે તે પહેલાં જ તો તેની કાર પુલ પરથી 20 ફૂટ નીચે પડી ગઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું. પરિવારનો આરોપ છે કે બ્રિજ તૂટવા અંગે સ્થાનિક લોકોએ ગૂગલ મેપને જાણ કરી હોવા છતાં કંપનીએ નેવિગેશન સિસ્ટમ અપડેટ ન કરતાં અકસ્માત સર્જાયો હતો. વેક કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં ગયા મંગળવારે દાખલ કરાયેલા કેસ અનુસાર, બે બાળકોનો પિતા ફિલિપ પેક્સન મેડિકલ કંપનીમાં સેલ્સમેન હતો. ગયા વર્ષે 30 સપ્ટેમ્બરે તે પોતાની દીકરીના જન્મદિવસની પાર્ટી મનાવવા માટે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. રસ્તો અજાણ્યો હોવાથી તેણે ગૂગલ મેપની મદદ લીધી હતી.
નેવિગેશન સિસ્ટમે તેને એક માર્ગ સૂચવ્યો કે જે પુલ પરથી પસાર થાય છે. ખરેખર તો આ પુલ નવ વર્ષ પહેલાં તૂટી ગયો હતો અને તેનું રીપેરિંગ કરાયું ન હતું. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે તૂટેલા આ પુલ પર ચેતવણીનું કોઈ બોર્ડ પણ નહોતું. નોર્થ કેરોલિના પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક અથવા રાજ્ય અધિકારીઓ દ્વારા પુલની જાળવણી કરવામાં આવી રહી નહોતી અને બ્રિજ બનાવનાર કંપની પણ બંધ થઈ ગઈ છે.