નવી દિલ્હીઃ અમેરિકન સોફટવેર પ્રોફેશનલ સુંદર પિચાઇ (૪૭)ને ગૂગલના સીઇઓ તરીકે પસંદગી થયાના ચાર વર્ષ પછી પેરન્ટ કંપની આલ્ફાબેટના સીઇઓ તરીકે પણ જવાબદારી સોંપાઇ છે. ગૂગલના સ્થાપકો લેરી પેજ અને સર્ગેઇ બ્રિને અનુક્રમે આલ્ફાબેટના સીઇઓ અને પ્રસિડેન્ટ તરીકે રાજીનામાં આપવાની જાહેરાત કરી છે. પિચાઇને ૨૦૧૫માં ગૂગલના સીઇઓ તરીકે નિયુક્ત કરાયા હતા.
આવકમાં ૮૫ ટકા વૃદ્ધિ
પિચાઇના નેતૃત્વમાં ગૂગલની વાર્ષિક એડ રેવન્યૂ છેલ્લા ત્રણ વર્ષમાં ૮૫ ટકા વધી છે. ૨૦૧૫માં કંપનીની એડ રેવન્યૂ રૂ. ૪.૩૫ લાખ કરોડ હતી. જે ૨૦૧૮માં વધીને રૂ. ૮.૩૧ લાખ કરોડે પહોંચી હતી. પિચાઇના નેતૃત્વમાં ગૂગલની તમામ અગ્રણી બ્રાન્ડ જેમ કે, કલાઉડ, મોબાઇલ સર્ચ અને એડવર્ટાઇઝિંગમાં નવી ટેક્નોલોજી પાછળ જંગી ખર્ચ કરાઇ રહ્યો છે. આલ્ફાબેટની રેવન્યૂ ગૂગલના એડ બિઝનેસનો હિસ્સો પણ ૮૫ ટકા છે. કંપની છેલ્લાં ૧૫ મહિનાથી સતત નફો કરી રહી છે. ગયા વર્ષે આલ્ફાબેટની કુલ રેવન્યૂ ૯.૫૨ લાખ કરોડ હતી. છેલ્લાં ચાર વર્ષમાં કંપનીના શેરે ૮૦ ટકાથી વધુ રિટર્ન આપ્યું છે.
પિચાઇએ પ્રાઇવસી, ઉશ્કેરણીજનક કન્ટેન્ટ, ગેરમાર્ગે દોરતી માહિતી અને રાજકીય ભેદભાવથી પ્રેરિત વિવાદોમાંથી પણ કંપનીને ઉગારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ગૂગલમાં પિચાઇનું કદ ૧૫ વર્ષથી સતત વધી રહ્યું છે. શરૂઆતમાં ગૂગલ ટૂલબાર અને ગૂગલ ક્રોમ વિકસાવવામાં તેમની ભૂમિકા મહત્ત્વની રહી હતી. ૨૦૧૪માં કંપનીએ તમામ પ્રોડક્ટ અને પ્લેટફોર્મનું નેતૃત્વ પિચાઇને આપ્યું હતું. ૨૦૧૫માં ગૂગલના સીઇઓ બન્યા પછી ૨૦૧૭માં તેમને આલ્ફાબેટ બોર્ડ ઓફ ડિરેકટર્સમાં પણ સામેલ કરાયા હતા. હવે આલ્ફાબેટના સીઇઓ બન્યા પછી તેમના પોર્ટફોલિયોમાં ગૂગલની કોર પ્રોડક્ટ્સ ઉપરાંત સેલ્ફ ડ્રાઇવિંગ કાર સહિતના પ્રોજેક્ટ પણ સામેલ થઇ ગયા છે.
પાંચ કરોડ ડોલરનું વેતન
ટ્વિટરે ૨૦૧૧માં પિચાઇને જોબ ઓફર કરી હતી, પરંતુ ગુગલે તેમને રૂ. પાંચ કરોડ ડોલર આપીને રોકી લીધા હતા. એક ઇન્ટરવ્યૂમાં પિચાઇએ રહ્યું હતું કે અમેરિકા જતાં પહેલા મારી પાસે મારું પોતાનું કમ્પ્યુટર પણ ન હતું. પરિવારને ટેલિફોન કનેક્શન માટે પણ પાંચ વર્ષ રાહ જોવી પડી હતી. ઘરમાં ફોન આવ્યો તો પાડોશીઓ તેમનાં સંતાનોને કોલ કરવા આવતા હતા. જેના કારણે સામાજિક જોડાણ વધ્યું હતું. જોકે આવા અનુભવોથી જ મને ટેકનોલોજીની સાચી શક્તિનો અંદાજ આવ્યો હતો.
પિતાએ દેવું કર્યું હતું
૧૯૭૨માં ચેન્નઈમાં જન્મેલા સુંદર રાજન પિચાઈને દુનિયા સુંદર પિચાઈના નામે ઓળખે છે. તેમણે આઈઆઈટી-ખડગપુરમાંથી બેચલર કર્યું અને પોતાની બેચમાં સિલ્વર મેડલ પણ મેળવ્યો. આથી એન્જિનિયરિંગ કર્યા બાદ વધુ અભ્યાસ માટે તેમને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની સ્કોલરશિપ મળી. ત્યાં એમએસ કર્યા પછી પિચાઈએ વોર્ટર્ન યુનિવર્સિટીમાંથી એમબીએ પણ કર્યું. એ વખતે તેમના પરિવારની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે પિતાએ સુંદરની એર ટિકિટ ખરીદવા માટે પણ ઉછીના લેવા પડ્યા હતા.