નવી દિલ્હીઃ ઉઝબેકિસ્તાનમાં 15 અને 16 સપ્ટેમ્બરે યોજાનાર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ના વાર્ષિક સંમેલનના 3 દિવસ પહેલા ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ ઘટ્યો છે. સંમેલનમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ ભાગ લેવાના છે. મંગળવારે પૂર્વીય લદાખમાં ભારત અને ચીનની સેનાઓ તણાવવાળા ગોગરા-હોટસ્પ્રિંગ્સ વિસ્તારમાંથી પાછળ હટી ગઈ છે.
બંને દેશો તરફથી હાલની પરિસ્થિતિની સમીક્ષા પણ થઈ ચૂકી છે. આના એક દિવસ પહેલા એટલે કે સોમવારે ભારતીય સેનાના પ્રમુખ મનોજ પાંડેએ જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ પોસ્ટ-15માંથી સૈનિકોને હટાવવાની હજુ સમીક્ષા કરવાની બાકી છે.
કોર કમાન્ડર બેઠકમાં સમજૂતી થઈ
કોર કમાન્ડર સ્તરના 16મા રાઉન્ડ દરમિયાન બંને પક્ષો વચ્ચે ચર્ચા બાદ 8 સપ્ટેમ્બરે સેનાઓ પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ દરમિયાન બંને દેશો ગોગરા-હોટસ્પ્રિંગ્સ વિસ્તારમાંથી સૈન્ય પાછા ખેંચવા પર સહમત થયા હતા. સાથોસાથ ડેમચોક અને ડેપસાંગ વિસ્તારમાં મડાગાંઠ ઉકેલવાના પ્રયાસો ચાલુ છે.
એસસીઓ પૂર્વે મોટું પગલું
સરહદ પર શાંતિ માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. બંને દેશની સેના વચ્ચે 17 જુલાઈના રોજ ઉચ્ચ સ્તરીય સૈન્ય વાટાઘાટોમાં આ વિશે સહમતી થઈ હતી. આ જાહેરાત ઉઝબેકિસ્તાનમાં શાંઘાઈ સહયોગ સંગઠનની વાર્ષિક સમિટના એક સપ્તાહ પહેલાં કરવામાં આવી છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ભાગ લેશે.