મુંબઇઃ ભારતના સૌથી અમીર અને શક્તિશાળી ઉદ્યોગપતિઓમાં 62 વર્ષના ગૌતમ અદાણીનું નામ આવે છે. અમેરિકામાં તેમના પર અને તેમના થોડા સાથીદારો પર રૂ. 2100 કરોડની લાંચ આપવાનો અને છેતરપિંડી કરવાના આરોપો લાગ્યા છે. અત્યાર સુધીમાં તેમના પર લાગેલા આરોપોમાં આ સૌથી વધારે ગંભીર આરોપ છે. આ આરોપો અમેરિકાની સરકારી સંસ્થા ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને (SEC) લગાવ્યા છે. જોકે, અદાણી જૂથે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આ સાથે જ કહ્યું છે કે અમે કાયદાકીય વિકલ્પોની તપાસ કરીશું.
અદાણી જૂથ સામે ઊઠી રહેલા સવાલો
અદાણી સમૂહ પર લાગેલા આરોપોના કારણે જૂથની કંપનીઓના શેરમાં અત્યંત ઘટાડો નોંધાયો છે. આરોપની ગંભીરતા અને તેમના પર આવેલી પ્રતિક્રિયાને ધ્યાનમાં લઈએ તો એક વાત તો ચોક્કસ છે કે આ મામલો એમ જલદી પૂરો થશે નહીં. કારણ કે પ્રશ્નો ઘણા છે. બ્રાયન પીસ ન્યૂ યોર્કના સરકારી એટર્ની છે. તેઓ ગૌતમ અદાણી અને અન્ય સામેના આરોપો અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘ભારતમાં સરકારી અધિકારીઓને અબજો ડોલરના કોન્ટ્રેક્ટ મેળવવા માટે લાંચ આપવા માટે એક યોજના બનાવવામાં આવી હતી. ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન અમેરિકા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો પાસેથી મૂડી એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એટલા માટે તેમણે ખોટું બોલ્યું.’ વકીલ આનંદ આહુજાનું કહેવું છે કે, ‘આરોપો સાબિત કરવા એટલા સરળ નહીં હોય. જેમને લાંચ આપવામાં આવી છે તેઓ ભારતમાં છે. તો અમેરિકન અધિકારીઓ ભારતમાં લોકોના નિવેદન કેવી રીતે લેશે? આમાં ભારતના કાયદાને પણ જોવો પડશે.
ગૌતમ અદાણી પરના આરોપોની અસર શું થશે?
અમેરિકામાં લાગેલા આરોપો બાદ કેન્યાની સરકારે અદાણી જૂથની સાથે થયેલા કરારને રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ કરાર અંતર્ગત અદાણી જૂથ કેન્યાની રાજધાની નૈરોબીમાં જોમો કેન્યાટ્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 1.85 બિલિયન ડોલરનું રોકાણ કરવાનું હતું. આ સિવાય 736 મિલિયન ડોલરનો વધુ એક કરાર હતો. તે અંતર્ગત વીજળીની લાઇન લગાવવા માટેનું કામ અદાણીને મળ્યું હતું.
શેરોના ભાવમાં ઘટાડો ક્યાં સુધી ચાલશે?
ગયા ગુરુવારે અદાણી ગ્રૂપની વિવિધ કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. બજાર નિષ્ણાતો કહે છે કે આ વખતે અદાણી ગ્રૂપ માટે શેરના ભાવમાં ઘટાડો એટલો મોટો નહીં હોય જેટલો હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ પછી આપણે જોયો હતો. જાન્યુઆરી 2023માં હિંડનબર્ગ રિસર્ચ નામની અમેરિકન સંસ્થાએ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ જ સપ્તાહમાં અદાણી ગ્રૂપની કંપનીઓના કુલ સ્ટોકમાર્કેટના મૂલ્યમાં અંદાજે 50 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. નિષ્ણાતો કહે છે કે આપણે જોયું છે કે આ જૂથ પડકારોનો સામનો કરીને તેનો માર્ગ શોધવામાં સફળ થાય છે. પરંતુ હા, આવા અહેવાલો તેમની છબી પર સવાલો ઊભા કરે છે. તેના કારણે જૂથને ભંડોળ એકત્ર કરવામાં વિલંબનો સામનો કરવો પડે છે.