એથેન્સઃ યૂરોઝોન સાથે છેડો ફાડી નાખવાના જનમતસંગ્રહ બાદ નમવા માટે મજબૂર બનેલા ગ્રીસે યૂરોઝોનના નેતાઓ સાથેની મંત્રણાઓ બાદ આકરી શરતો સ્વીકારવા સંમતિ વ્યક્ત કરી હતી. તેના બદલામાં ગ્રીસને ૮૬ બિલિયન યૂરોનું ત્રણ વર્ષનું બેઇલ પેકેજ પ્રાપ્ત થયું છે. યૂરોપિયન કાઉન્સિલના પ્રમુખ ડોનાલ્ડ ડસ્કે જણાવ્યું હતું કે ૧૭ કલાકની મેરેથોન મંત્રણા બાદ પાંચ વર્ષમાં ગ્રીસને ત્રીજું બેઇલઆઉટ પેકેજ આપવા અને યૂરોઝોનમાં રાખવાના કરાર પર નેતાઓએ સર્વસંમતિ વ્યક્ત કરી હતી. નેતાઓએ સમર્થન માટે તૈયાર કરાયેલી યુરોપિયન સ્ટેબિલિટી મિકેનિઝમ પર ચર્ચા શરૂ કરવા તૈયાર થયા છે. આ માટે ગ્રીસે શરતોનું પાલન કરવું પડશે, યૂરોઝોનના આ નિર્ણયથી ગ્રીસને પોતાનું અર્થતંત્ર ફરી પાટા પર લાવવાની એક તક પ્રાપ્ત થઇ છે.
અમેરિકાના ડ્રોન હુમલામાં અફઘાનના આઈએસના વડાનું મોતઃ અમેરિકાના ડ્રોન હુમલામાં ગત સપ્તાહે આઈએસનો એક ટોચનો આતંકી માર્યો ગયો હોવાના અહેવાલ બાદ પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં આઈએસનો વડો અમેરિકાના ડ્રોન હુમલામાં માર્યો ગયો હોવાનું મીડિયાના અહેવાલમાં જણાવાયું હતું.
પીઓકે કાશ્મીરનો હિસ્સોઃ જમ્મુ-કાશ્મીરના મામલે હવે પીઓકેના વડા પ્રધાને પાકિસ્તાનને ચેતવણી આપી છે. પીઓકેના વડા પ્રધાન ચૌધરી અબ્દુલ મજિદે કહ્યું છે કે સરકાર ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાનમાં સામેલ કરવાનો પ્રયાસ ના કરે. તે જમ્મુ-કાશ્મીરનો અભિન્ન ભાગ છે. પાકિસ્તાન ગિલગિટ-બાલ્ટિસ્તાનને સંઘીય પ્રદેશ બનાવવાનો પ્રયાસ કરે છે.
પેરિસના મોલમાંથી બંધક ૧૮ લોકોને સલામત બહાર કઢાયાઃ ફ્રાન્સના પાટનગર પેરિસના એક મોલમાં પોલીસે ૧૮ લોકોને બંદૂકધારીઓના કબજામાંથી છોડાવ્યા હતા. સોમવારે વહેલી સવારે બેથી ત્રણ બંદૂકધારીઓ પેરિસના પ્રાઈમાર્ક સ્ટોરમાં ઘૂસી ગયા હતા. તે વખતે મોલમાં ૧૮ લોકો હાજર હતાં. મોલમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોમાં બંદૂકધારીઓ પણ સામેલ છે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ અગાઉ મોલના કર્મચારીએ અંદરથી મેસેજ મોકલ્યો હતો કે તેમને બંધક બનાવી લેવામાં આવ્યા છે.
અભિનેતા ઓમર શરીફનું નિધનઃ લોરેન્સ ઓફ અરેબિયા અને ડો. ઝિવાગો જેવી ક્લાસિકલ ફિલ્મોના અભિનેતા ઓમર શરીફ (૮૩)નું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. લોરેન્સ ઓફ અરેબિયાની ભૂમિકા માટે મૂળ ઈજિપ્તના વતની શરીફની ઓસ્કાર માટે નોમિનેટ થયા હતા. આ ફિલ્મ માટે તેમને ગોલ્ડ ગ્લોબ એવોર્ડ મળ્યો હતો. શરીફે ઈજિપ્તની વીસ ફિલ્મોમાં અભિનય કર્યા પછી પ્રથમવાર જ અંગ્રેજી ભાષાની લોરેન્સ ઓફ અરેબિયામાં કામ કર્યું હતું. આ પહેલી જ ફિલ્મથી તેઓ હોલિવૂડમાં છવાઈ ગયા હતા. છેલ્લાં ઘણા સમયથી શરીફ અલ્ઝાઈમરથી પીડાતા હતા અને આ કારણોસર તેમણે નિવૃત્તિ લીધી હતી. ઓમર શરીફે ફાતેન હમામા નામની અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા, જેની સાથે શરીફે વર્ષ ૧૯૫૩માં ‘ધ બ્લેઝીંગ સન’ નામની ફિલ્મમાં કામ કર્યું હતું.