એથેન્સઃ આર્થિક સંકટમાં ઘેરાયેલાં ગ્રીસના નાગરિકોને આખરે ૨૯ જૂનના રોજ બંધ થયેલી બેંકો ત્રણ સપ્તાહ બાદ ખૂલતાં મોટી રાહત મળી છે. જોકે ગ્રીસની સરકારે વિવિધ ચીજવસ્તુઓ પરના વેટમાં ભારે વધારો કરી દેતાં ગ્રીસવાસીઓને આકરી મોંઘવારીનો સામનો કરવો પડશે. સોમવારે સવારે બેંકો ખૂલતાં રોકડની તંગી વેઠી રહેલાં એથેન્સવાસીઓએ આઠ વાગ્યાથી જ બેંકો પર કતારો લગાવી હતી. દેશમાં બેંકિંગ કામગીરી શરૂ તો કરાઇ છે પરંતુ અગાઉ લદાયેલા રોકડ ઉપાડ સહિતના નાણાકીય વ્યવહારો પરનાં ઘણાં નિયંત્રણો હાલ અમલમાં રહેશે. દિવસના ૬૦ યૂરો ઉપાડવાની મર્યાદા હાલ ચાલુ રહેશે પરંતુ એક નવી જોગવાઈ અંતર્ગત નાગરિકો સપ્તાહના ૪૨૦ યૂરોની રોકડ બેંકમાંથી ઉપાડી શકશે, તેનો અર્થ એ થયો કે રોજની ૬૦ યૂરોની મર્યાદામાં થોડી છૂટ અપાઇ છે.