નવી દિલ્હી: બલ્ગેરિયાની બિટકોઈન કિલર તરીકે ઓળખાતી રૂઝા ઈગ્નાતોવાએ નાણાકીય છેતરપિંડી કરવા માટે ‘વનકોઈન’ નામની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરી હતી. ગ્લેમરસ લૂક અને મનમોહક વ્યક્તિત્વથી રોકાણકારોનો વિશ્વાસ જીતનારી રૂઝાએ માત્ર ત્રણ જ વર્ષમાં દુનિયાને રૂપિયા ૯૦ હજાર કરોડનો ચૂનો લગાવ્યો છે. હાલમાં તેની તપાસ અમેરિકી ગુપ્તચર એજન્સી એફબીઆઇ તેમજ બ્રિટીશ તપાસ એજન્સી એમઆઇફાઈવ પણ કરી રહી છે, છતાં તેનો કોઈ અતોપત્તો નથી.
દુનિયાભરની એજન્સીઓ આજ દિન સુધી ‘વનકોઈન’ ષડયંત્રના મૂળ સુધી પહોંચી શકી નથી. રૂઝા હાલમાં પ્લાસ્ટિક સર્જરી કરાવીને વૈભવી જીવન ગુજારતી હોવાનું પણ મનાય છે. 'વનકોઈન'ની છેતરપિંડીનો શિકાર બનેલા એક રોકાણકારે કરેલા કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે, રૂઝા ઈગ્નાતોવા પાસે હાલ ૨.૩૦ કરોડ 'વનકોઈન' છે, જેની માર્કેટ વેલ્યૂ ૧૧ બિલિયન ડોલર (આશરે ૮૦૬ બિલિયન રૂપિયા) થવા જાય છે.
રૂઝા જ બ્રાન્ડ એમ્બેસેડર
ઈ.સ. ૨૦૧૪ની આસપાસ બલ્ગેરિયાની એક કંપની 'વનકોઈન' નામની ક્રિપ્ટોકરન્સી લઈને આવી હતી, તેની માલિક ગ્લેમરસ બ્યુટીક્વિન જેવી દેખાતી રૂઝા ઈગ્નાતોવા હતી. તે જ પોતાની ક્રિપ્ટોકરન્સીની બ્રાન્ડ એમ્બેસેડર પણ હતી. દુનિયાભરમાં પ્રવાસ ખેડીને તેણે 'વનકોઈન'નો એટલો જબરજસ્ત પ્રચાર-પ્રસાર કર્યો કે બિટકોઈનની ચમક ઘટી ગઈ અને તે આર્થિક જગતમાં બિટકોઈન કિલર તરીકે ઓળખાવા લાગી હતી.
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકેલી અને જર્મનીની યુનિવર્સિટીમાંથી પીએચ.ડી કરનારી રૂઝાએ ઈ.સ. ૨૦૧૪થી ૨૦૧૬ એમ ત્રણ વર્ષમાં જ વિશ્વભરમાંથી આશરે ૧૨ બિલિયન ડોલર (આશરે ૯૦ હજાર કરોડ રૂપિયા) ભેગા કર્યા હતા.
બિઝનેસ વર્લ્ડમાં છવાઈ જનારી આ મહિલાની કરન્સી અંગે કેટલીય એજન્સીઓએ રોકાણકારોને ચેતવવાનો પ્રયાસ કર્યો હતો, પણ ત્યાં સુધીમાં તેની ચુંગાલમાં ઘણા બધા સપડાઈ ચૂક્યા હતા. આખરે ૨૦૧૭માં નવી સ્કિમ લાવવાની જાહેરાત સાથે જ તે હવામાં ઓગળી ગઈ હતી અને આજે પણ તેના રોકાણકારો રાતા પાણીએ રોઈ રહ્યા છે.