ગ્લોબલ રિચ લિસ્ટમાં મુકેશ અંબાણીએ પ્રથમ વખત ટોપ-૧૦માં સ્થાન મેળવ્યુંઃ વિશ્વમાં આઠમા ક્રમે અમીર

Thursday 28th February 2019 03:28 EST
 
 

મુંબઈઃ હુરુન દ્વારા જારી કરાયેલા ગ્લોબલ રિચ લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમને મુકેશ અંબાણીએ ૫૪ અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ટોચના ૧૦ શ્રીમંતોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. વિશ્વભરના શ્રીમંત લોકોની હુરુન રિચ લિસ્ટ ૨૦૧૯માં એમેઝોનના ચીફ જેફ બેજોસ સતત બીજા વર્ષે સૌથી ટોચના ક્રમે સ્થાન જાળવી રાખ્યું હતું, જ્યારે મુકેશ અંબાણીએ રિલાયન્સ શેરની તેજીને કારણે આ યાદીમાં આઠમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગૂગલના સીઈઓ સર્જેઈ બ્રિન સાથે મુકેશ અંબાણી સંયુક્ત રીતે આઠમા ક્રમાંકે છે.

વૈશ્વિક અબજપતિઓની યાદીમાં માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ ૯૬ અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમાંકે છે. ૮૮ અબજ ડોલરની સંપત્તિ સાથે બર્કશાયર હૈથવેના સીઈઓ વોરન બફેટ ત્રીજા ક્રમાંકે, ૮૬ અબજ ડોલરની સંપત્તિ સાથે એલવીએમએમએચના બેનાર્ડ આર્નોલ્ટ ચોથા અને ૮૦ અબજ ડોલરની સંપત્તિ સાથે ફેસબુકના માર્ક ઝુકરબર્ગ પાંચમા ક્રમાંકે છે. આ ઉપરાંત ગત વર્ષે આ યાદીમાં સ્થાન પામેલા ૪૩૦ અબજપતિઓ આ વર્ષે યાદીમાં સ્થાન મેળવી શક્યા નથી.

અનિલ અંબાણીની સંપત્તિમાં પાંચ અબજ ડોલરનો ઘટાડો!

પાછલા સપ્તાહે સુપ્રીમ કોર્ટની અવમાનના દોષિત અનિલ અંબાણીની સંપત્તિમાં પાંચ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો. તેમની સંપત્તિ સાત અબજ ડોલરથી ઘટીને ૧.૯ અબજ ડોલર રહી ગઈ છે. બંને ભાઈઓને વારસામાં એકસરખો હિસ્સો મળ્યો હતો. હુરુનના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે પારિવારિક સંપત્તિની વહેંચણી પછી મુકેશ અબાણીએ પાછલા સાત વર્ષોમાં પોતાની સંપત્તિમાં ૩૦ અબજ ડોલર (રૂ.૨.૧૪ લાખ કરોડ)નો વધારો થયો, જ્યારે અનિલ અંબાણીએ આ દરમિયાન પાંચ અબજ ડોલર (રૂ. ૩૫,૬૮૭.૫ કરોડ) ગુમાવ્યા હતા.

શ્રીમંતોની સંખ્યામાં ઘટાડો

વૈશ્વિક શ્રીમંતોની ૨૦૧૯ના લિસ્ટમાં શ્રીમંતોની સંખ્યા ઘટીને ૨,૪૭૦ થઈ ગઈ છે, એમાં ૨૨૪નો ઘટાડો નોંધાયો છે. ૨૦૧૮માં આ લિસ્ટમાં ૨,૬૯૪ લોકો સામેલ છે. આ ૨,૪૭૦ લોકોની કુલ સંપત્તિ ૯.૫ લાખ કરોડ થઈ હતી. જે વિશ્વની કુલ જીડીપીનો ૧૨ ટકા હિસ્સો છે.

ભારતના શ્રીમંતોમાં હિન્દુજા બીજા ક્રમે

ભારતીય અબજપતિઓના લિસ્ટમાં ૨૧ અબજ ડોલરની સંપત્તિની સાથે હિન્દુજા ગ્રૂપના ચેરમેન એસ પી હિન્દુજા બીજા ક્રમાંકે છે, ૧૭ અબજ ડોલરની સંપત્તિ સાથે વિપ્રોના માલિક અઝીમ પ્રેમજી ત્રીજા ક્રમાંકે, સાયરસ એસ. પુનાવાલા ૧૩ અબજ ડોલરની સંપત્તિ સાથે ચોથા ક્રમાંકે, આર્સેલર મિત્તલ પાંચમા, કોટક મહિન્દ્રા બેન્કના ઉદય કોટક છઠ્ઠા, અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી સાતમા અને સન ફાર્માના દિલીપ સંઘવી આઠમા ક્રમાંકે છે. સાયરસ પાલનજી મિસ્ત્રી અને શાપુરજી પાલનજી મિસ્ત્રી ક્મશઃ નવમાં, દસમા ક્રમાંકે છે. મહિલા અબજપતિઓની યાદીમાં ગોદરેજ ગ્રુપની ત્રીજી પેઢી સ્મિતા કૃષ્ણા પહેલા ક્રમાંકે છે. તેમની સંપત્તિ ૬.૧ અબજ ડોલર છે. બાયોકોનની કિરણ મજુમદારની સંપત્તિ ૩.૫ અબજ ડોલર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter