સેન જોસ પિનુલાઃ લેટિન અમેરિકન દેશ ગ્વાટેમાલામાં બાળ સંરક્ષણ ગૃહમાં આઠમીએ આગ લાગી ગઈ હતી. અકસ્માતમાં ૨૨ છોકરીઓના દાઝી જવાથી મોત થયા હતાં અને ૩૭ બાળકો દાઝી ગયા હતા. અકસ્માત આઠમીએ સવારે વર્જેન ડી અસન્શિયન સરકારી બાળસંરક્ષણ ગૃહમાં સર્જાયો હતો. મૃતકો અને ઘાયલ થનારાં બાળકોની વય ૧૩થી ૧૭ વર્ષની વચ્ચે છે. રાષ્ટ્રપતિ જિમી મોરાલેસે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ત્રણ દિવસના રાજકીય શોકની પણ જાહેરાત કરવામાં આવી છે. જાણકારી અનુસાર, સંરક્ષણ ગૃહમાં રહેતી સંખ્યાબંધ છોકરીઓએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મોટાભાગની છોકરીઓને પકડીને તેમની હોસ્ટેલમાં બંધ કરી દેવાઇ હતી. અહીં ક્ષમતા કરતાં વધારે છોકરીઓને રાખવામાં આવી હતી.
અધિકારીઓના અનુસાર કોઇએ સુધારગૃહના તે ભાગમાં રહેલાં ગાદલાંમાં આગ લગાવી દીધી હતી. આગ ઝડપથી બંને હોસ્ટેલમાં ફેલાઇ ગઇ હતી. એક દિવસ પહેલાં ફરિયાદ થઈ હતી કે આ કેન્દ્રમાં જાતીય શોષણ અને અન્ય દુર્વ્યવહારો થાય છે અને તેના માટે કેન્દ્રના કર્મીઓ સામે મોડી રાત સુધી દેખાવો પણ થયા હતા.