ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના બલુચિસ્તાન સ્થિત તટીય શહેર ગ્વાદરમાં હજારો દેખાવકારોએ છઠ્ઠા દિવસે પણ મુખ્ય વ્યવસાયિક માર્ગો બ્લોક કરી રાખ્યા છે. તેના વિરોધમાં સામેલ મોટા ભાગના સ્થાનિક માછીમારો છે, જે અહીં ચીનની દખલગીરીના શિકાર છે. તેમનું કહેવું છે કે ચીનનાં મોટાં મોટાં જહાજો અહીંથી મોટા ભાગની માછલીઓ કાઢી લે છે. તેના કારણે અમારી રોજીરોટી છીનવાઈ ગઈ છે.
ગ્વાદરમાં ચીનના પ્રોજેક્ટના કારણે અનેક ચેકપોસ્ટ બનાવાઈ છે. અહીં સ્થાનિકોને રોકીને ઓળખપત્ર મંગાય છે. આ દેખાવોનું નેતૃત્વ કરી રહેલા જમાત-એ-ઈસ્લામીના મહાસચિવ મૌલાના હિદાયત ઉર રહેમાન બલોચે કહ્યું કે આ આંદોલન સત્તાના અન્યાય વિરુદ્ધ છે. અમે સરકારના જવાબની ઘણો સમય રાહ જોઈ, પરંતુ અમારી કોઈ વાત ના સાંભળી. માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે નહીં હટીએ. ચેકપોસ્ટના કારણે સ્થાનિકોને પોતાની જમીન પર આવવા-જવામાં મુશ્કેલી પડી રહી છે. તપાસના નામે અમારી મહિલાઓ સાથે થતું અપમાન અમે સહન નહીં કરીએ. અમે વિદેશી મહેમાનો માટે વિદેશી પ્રોટોકોલનું સન્માન કરીએ છીએ. જમાત-એ-ઈસ્લામીના બીજા એક નેતા અમીરુલ અજીમ કહે છે કે અમે ૨૮ નવેમ્બર પછી ઈસ્લામાબાદમાં ધરણાં શરૂ કરીશું. જો સરકાર અમારી માંગ નહીં સ્વીકારે તો પરિણામ ભોગવવા પડશે. ગ્વાદર બંદર પ્રોજેક્ટને ચીન સીપીઈસીના તાજ તરીકે રજૂ કરે છે, પરંતુ ચીનના શ્રમિકોની હાજરીથી આ વિસ્તાર સૈન્ય છાવણીમાં બદલાઈ ગયો છે. તે અરબી સમુદ્ર પર બલુચિસ્તાનમાં પાકિસ્તાનના દક્ષિણ ગ્વાદર બંદરને ચીનના પશ્ચિમી શિનજિયાંગ ક્ષેત્રને જોડશે. તેમાં ચીન અને મધ્ય પૂર્વ વચ્ચે સંપર્ક સુધારવા રસ્તા, રેલ અને તેલ પાઈપલાઈન બનાવવાની યોજના છે. જોકે, આ પ્રોજેક્ટ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે.
ગ્વાદરમાં કોરિડોર પ્રોજેક્ટ સામે વિરોધ પ્રદર્શનો ઉગ્ર બન્યા
ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર સામે પાકિસ્તાનના ગ્વાડર શહેરમાં મોટાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. મોટું બંદર ધરાવતાં આ શહેરમાં ચીનના પ્રોજેક્ટના કારણે પાણી અને વીજળીની તીવ્ર અછત તેમજ ગેરકાયદે માછીમારીના કારણે ચલોકોની આજીવિક સામે ખતરો ઊભો થતાં લોકો આ પ્રોજેક્ટનો આકરો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલાં પ્રદર્શનને હવે ધીમે ધીમે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે.