કોલકતાઃ લાંબી ચાંચ જેવું મ્હોં ધરાવતો ઘડિયાલ મગર ૧,૧૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડીને છેક નેપાળથી ભારત પહોંચ્યો છે. પશ્ચિમ બંગાળ નજીકના રાની નગર ઘાટ નજીક હુગલીમાં તે માછીમારોની જાળમાં તે સપડાયો હતો. ઘડિયાલ લુપ્ત થવાના આરે પહોંચેલા પ્રાણીઓમાં સ્થાન ધરાવતો હોવાથી તેને બચાવી લેવાયો હતો.
આ ઘડિયાલને નેપાળની રાપ્તી નદીમાં છોડવામાં આવ્યા હતો. જે એક મહિનાના સમયમાં તરતો તરતો ૧,૧૦૦ કિ.મી. દૂર આવેલા પશ્ચિમ બંગાળમાં પહોંચી ગયો હતો. ગંડક નદીમાં ચાલી રહેલા ઘડિયાલ રિકવરી પ્રોજેક્ટ પર કામ કરતાં જીવવિજ્ઞાની સુબ્રત બહેરેની નજર ઈન્ટરનેટ પર વાયરલ થયેલા ઘડિયાલનો ફોટો પર પડી હતી અને તેમણે આ અંગે નેપાળના સત્તાધીશોનો સંપર્ક કર્યો હતો.
નેપાળના ચિત્તવાન નેશનલ પાર્કમાં આવેલા ઘડિયાલ જાળવણી અને સંવર્ધન કેન્દ્રના બેદ બહાદુર ખાડકાએ ઘડિયાલની પૂછડી પરના માર્કિંગના આધારે તેને ઓળખી લીધો હતો. તે રાપ્તી-નારાયણ-ગંડક-ગંગા-ફારાક્કાનો પ્રવાસ ખેડીને હૂગલી નદીમાં પહોંચ્યો હોવાનો અંદાજ માંડવામાં આવી રહ્યો છે. રેસ્ક્યુ કરાયા બાદ તેને ફરી મુક્ત કરી દેવામાં આવ્યો છે.