મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયામાં રહેતા એક શીખ ડ્રાઇવરને ઘરવિહોણા લોકોને ભોજન પૂરું પાડવાની તેમની માનવતાભરી ઉમદા સેવાપ્રવૃત્તિ માટે ‘ઓસ્ટ્રેલિયન ઓફ ધી ડે’ જાહેર કરાયો છે. આ શીખ સજ્જન છેલ્લા ત્રણ વર્ષથી ડાર્વિનમાં પરોપકારી પ્રવૃત્તિઓ કરે છે.
કારચાલક તેજીન્દર પાલ સિંહે મહિનાનો છેલ્લો રવિવાર નોર્ધર્ન ડાર્વિનના ઘરવિહોણા અને ગરીબોને ભોજન કરાવવા માટે જ રાખ્યો છે. તેઓ ટેક્સીની છેલ્લી શિફટ પુરી કર્યા પછી આ જ કામ કરે છે. તેઓ નાઇટ શિફ્ટ પૂરી કર્યા પછી જાતે ૩૦ કિલો ભારતીય ભોજન બનાવે છે અને ઘરવિહોણા લોકોને જમાડે છે. તેમના ભોજનમાં શાકભાજી, કરી અને ચપાતીઓનો સમાવેશ થાય છે.
'હું ઘરવિહોણા લોકો માટે આ પ્રવૃત્તિ કરું છું કે જેથી તેમને જીવન જીવવા માટે વધુ શક્તિ મળે અને આનંદ માણે. મારા ધર્મમાં કહેવામાં આવ્યું છે કે તમારી આવકનો દસમો હિસ્સો ગરીબો અને જરૂરતમંદો માટે રાખો. પછી ભલે તેઓ કોઇ પણ ધર્મના હોય.’ એમ સ્થાનિક અખબારો સાથેની વાતચીતમાં તેજીન્દર પાલ સિંહે જણાવ્યું હતું.
તેમની વાનમાં લખેલું છેઃ ‘ભુખ્યા અને જરૂરતમંદ લોકો માટે મફત ભારતીય ભોજન, શીખ પરિવાર તરફથી’. કોમનવેલ્થ બેંક દ્વારા સ્પોન્સર્ડ આ એવોર્ડ દેશ માટે કંઇ પ્રશંસનીય કાર્ય કરનાર વ્યક્તિ કે સંસ્થાને આ એવોર્ડ એનાયત થાય છે.