વોશિંગ્ટનઃ અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ ચાંદ પર એક ગુફા શોધી છે. આજથી 55 વર્ષ પહેલાં નીલ આર્મસ્ટ્રોંગ અને બજ એલ્ડ્રિને ચંદ્ર પર જ્યાં ઉતરાણ કર્યું હતું તેનાથી થોડાક જ દૂર આ ગુફા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચાંદ પર આવી બે-ચાર નહીં સેંકડો ગુફાઓ હોઇ શકે છે. આ ગુફાઓનું તાપમાન ચંદ્રની સપાટી કરતાં થોડુંક અલગ છે, આથી ભવિષ્યમાં તે અંતરિક્ષ યાત્રિકો માટે રોકાણ કરવાનું સ્થળ બની શકે છે.
ઇટાલીની યુનિવર્સિટી ઓફ ટ્રેંટોના સંશોધક લિયોનાર્ડો કરેરના નેતૃત્વમાં વૈજ્ઞાનિકોએ ‘નાસા’ના લૂનાર રોકોનિસેન્સ ઓર્બિટર પરથી ઝડપાયેલી તસવીરો અને ડેટાનો અભ્યાસ કર્યો હતો. નેચર એસ્ટ્રોનોમી જર્નલમાં છપાયેલા રિચર્ચ પેપરમાં જણાવાયું છે કે આ ગુફા એપોલો-11ના લેન્ડિંગ સ્થળથી 400 કિલોમીટર દૂર સી ઓફ ટ્રેન્ક્વિલિટીમાં આવેલી છે. આ ગુફાઓને મેયર ટ્રેન્ક્વિલિટીસ કહેવામાં આવે છે.
ક્ષેત્રફળ 14 ટેનિસ કોર્ટ જેવડું
આ ગુફા ચંદ્રની સપાટીથી 150 મીટર નીચે છે અને તેનું ક્ષેત્રફળ 14 ટેનિસ કોર્ટ જેટલું છે. આ ગુફા 45 મીટર પહોળી, 80 મીટર લાંબી અને 328 ફૂટ ઊંડી છે. વૈજ્ઞાનિક આ ગુફાને ચંદ્ર પર શોધવામાં આવેલો સૌથી ઊંડો ખાડો ગણાવે છે. ગુફાનું તાપમાન આશરે 17 ડિગ્રી સેલ્સિયસ છે. આ તાપમાનમાં માનવી આરામથી રહી શકે છે. ચંદ્રની સપાટી પર રાતનું તાપમાન ઘણું જ ઓછું જ્યારે દિવસનું તાપમાન પાણી ઉકળી ઉઠે તેટલું વધુ હોય છે.
કઠોર વાતાવરણમાં સુરક્ષા કવચ
આ ગુફા શોધનાર વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એવી સંરચના ચંદ્રના આકરા વાતાવરણમાં સુરક્ષા પૂરી પાડી શકે છે. આમાં સોલર રેડિયેશન, ઘટતા-વધતા તાપમાન અને ઉલ્કાપિંડો ટકરાવાનો કોઇ ડર રહેતો નથી. આ સંશોધનના મુખ્ય
લેખક લિયોનાર્ડો કરેરનું કહેવું છે કે મનુષ્યો માટે આ ગુફામાં રહેવાનું મુશ્કેલ નહીં હોય, કેમ કેમ પૃથ્વી પર આપણા પૂર્વજો ગુફાઓમાં જ રહેતા હતા.