કૈનેયચેંગઃ દુનિયાના બે સૌથી ધનવાન ઉદ્યોગપતિ જેફ બેઝોસ અને એલન મસ્ક વચ્ચે ચંદ્ર પર જવાની પણ લડાઈ શરૂ થઇ છે. હકીકતમાં આ મામલો રૂ. ૨૨ હજાર કરોડના એ કોન્ટ્રેક્ટને લઈને છે, જે અમેરિકન અંતરિક્ષ સંસ્થા ‘નાસા’એ મસ્કની કંપની સ્પેસ એક્સને આપ્યો છે. કોન્ટ્રેક્ટ અંતર્ગત સ્પેસ એક્સ એક લેન્ડર બનાવશે, તેના પર સવાર થઈને અમેરિકન અંતરિક્ષયાત્રીઓ ૨૦૨૪માં ચંદ્ર પર જશે. આ પ્રોજેક્ટ માટે સ્પેસ એક્સ સિવાય બીજી બે કંપનીએ પણ ટેન્ડર ભર્યા હતા, તેમાં જેફ બેઝોસની બ્લૂ ઓરિજિન કંપની પણ સામેલ હતી.
જોકે, આ કોન્ટ્રેક્ટ મસ્કની કંપની સ્પેસ એક્સને મળ્યો. તેથી ‘નાસા’ના નિર્ણયની વિરુદ્ધ બેઝોસની કંપનીએ અમેરિકન સરકારને ૫૦ પાના લાંબો એક પત્ર લખ્યો છે. બ્લૂ ઓરિજિનના ચીફ એક્ઝિક્યુટિવ બોબ સ્મિથ કહે છે કે, ‘નાસા’નો સ્પેસ એક્સને કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય ખોટો છે કારણ કે, ‘તેમણે અમારા પ્રસ્તાવના લાભદાયી પાસાંને નજરઅંદાજ કર્યા છે તેમજ સ્પેસ એક્સની ટેકનિકલ ખામીઓ તરફ પણ આંખ આડા કાન કર્યા છે.’
બીજી તરફ, મસ્કે સોશિયલ મીડિયામાં બેઝોસને આડે હાથ લઈને વ્યંગ કરતા કહ્યું છે કે, ‘વિરોધ કરતો પત્ર મોકલીને હવે તમે ચંદ્રની ધરી સુધી પણ નહીં પહોંચી શકે. રહેવા દો, આ તમારી તાકાતની વાત નથી.’
હકીકતમાં ‘નાસા’ ચંદ્ર પર પહોંચવા માટે એક એવું યાન બનાવવા ઈચ્છે છે, જેના થકી પહેલી વાર એક મહિલા અને અશ્વેત પુરુષ ચંદ્ર પર પહોંચશે. ૧૯૭૨ પછી અમેરિકાએ કોઈ પણ માનવને ચંદ્ર પર નથી મોકલ્યો. ‘નાસા’ના એડમિનિસ્ટ્રેટર જિન બ્રિડેનસ્ટાઈન કહે છે કે, ‘૨૦૨૪માં ચંદ્ર પર જવા માટે ‘નાસા’ની તૈયારી અંતિમ તબક્કામાં છે. તેનું નામ છે, મિશન આર્ટિમિસ.’ ૨૦૨૪માં ઓરાયન નામના સ્પેસ ક્રાફ્ટમાં ચાર સભ્ય અંતરિક્ષમાં જશે.