નવી દિલ્હીઃ લદ્દાખમાં ઘૂસણખોરી કરીને સરહદી ક્ષેત્રમાં તણાવ વધાર્યા પછી હવે ચીને અરુણાચલ પ્રદેશમાં ભારતની જમીન હડપ કરી લેવાનો કારસો ઘડયો છે. ચીને ભૂતાન પર કબજો જમાવવા નજર બગાડયા પછી હવે ભારતના અરુણાચલ પ્રદેશમાં છાનાપગે એક નવું ગામ વસાવી લીધું હોવાના અહેવાલોએ સનસનાટી મચાવી છે. સેટેલાઈટ તસવીરોમાં આ ગામ ઝડપાઈ જતા ચીનની મેલી મુરાદનો પર્દાફાશ થયો છે.
ચીને વસાવેલું નવું ગામ અરુણાચલ પ્રદેશની સીમામાં ૪.૫ કિલોમીટર અંદર આવેલું છે. જ્યાં ૧૦૧ ઘર બનાવી લેવાયાં છે. આ ગામને ત્સારી ચૂ નદીના કિનારે બનાવાયું છે. જે અરુણાચલનાં અપર સુબનસિરી જિલ્લામાં આવેલું છે. ભારતની સુરક્ષા સામે આ ગામે ખતરો સર્જ્યો છે. સેટેલાઈટ તસવીરો ૧ નવેમ્બર ૨૦૨૦ના રોજ લેવાઈ છે, જેમાં નવું ગામ સ્પષ્ટ જણાઈ આવે છે.
જૂની સેટેલાઇટ તસવીર જોતાં સ્પષ્ટ થાય છે કે એક વર્ષ પહેલાં અહીં ખાલી જમીન હતી. છેલ્લા એક વર્ષમાં જ આ ગામ બનાવાયું છે. ચીનના આ ગામ નજીક ભારતનો કોઈ રસ્તો નથી કે અન્ય કોઈ સત્તાવાર માળખાગત સુવિધા નથી.
આ અગાઉ ૧ નવેમ્બર ૨૦૨૦નાં રોજ અરુણાચલ પ્રદેશના ભાજપના સાંસદ તાપિર ગાવોએ લોકસભામાં જણાવ્યું હતું કે, તેમનાં રાજ્યમાં ચીનની ઘૂસણખોરી વધી રહી છે. તેમણે આ મુદ્દે અપર સુબનસિરી જિલ્લાનો ઉલ્લેખ કર્યો હતો. ચીન સુબનસિરી જિલ્લામાં ૬૦થી ૭૦ કિલોમીટર અંદર ઘૂસી ગયું છે.
બીજી તરફ એવા પણ અહેવાલ છે કે, સરહદે ભારત અને ચીન દ્વારા એકદમ નજીક તંબુ તાણીને સૈન્ય સાબદું કરવામાં આવ્યું છે. અહીંયા ચીની અને ભારતીય ટેન્ટ ઉપરાંત ટેન્કો અને અન્ય સશસ્ત્ર સરંજામ પણ જોવા મળી રહ્યો છે.
‘ચીનની હિલચાલ પર નજર છે’
ચીનની ઘૂસણખોરી અંગે વિદેશ મંત્રાલયને પ્રશ્નો પૂછાયા ત્યારે મંત્રાલયના પ્રવક્તાએ અહેવાલોને ફગાવ્યા વિના કહ્યું હતું કે, ચીન દ્વારા ભારતની સરહદે કેટલુંક નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું હોવાના અહેવાલો મળ્યા છે. સરકાર ચીનની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી છે.
દેશની સંપ્રભુતા અને અખંડતા માટે તમામ પગલાં લેવાઈ રહ્યાં છે. સરકાર આવા વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ સર્જી રહી છે. સરકારે ત્યાં રસ્તા અને પુલ બનાવવાનું શરૂ કર્યું છે, જેથી ત્યાંની જનતા સાથે કનેક્ટિવિટી સ્થાપી
શકાઈ છે.
વિવાદનું કેન્દ્ર સુબનસિરી જિલ્લો
અરુણાચલ પ્રદેશનો અપર સુબનસિરી જિલ્લો ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી વિવાદનું કેન્દ્ર બનેલો છે. આ મામલે ભૂતકાળમાં સશસ્ત્ર સંઘર્ષ પણ થયેલો છે. સેટેલાઈટ તસવીરોમાં ચીને વસાવેલું નવું ગામ સ્પષ્ટપણે જણાઈ આવે છે. લદ્દાખમાં જ્યારે ભારત અને ચીનની સેનાએ સામસામે મોરચો માંડયો છે ત્યારે ચીનની વધુ એક અવળચંડાઈ સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ ડેવલપમેન્ટ છેલ્લાં એક વર્ષમાં થયું હોવાના પણ અહેવાલ છે. આ મુદ્દે ભારત તપાસ કરી રહ્યું હોવાનો મત છે. બીજી તરફ ચીને દાવો કર્યો હતો કે, આ વિસ્તારમાં પહેલા ભારતે ડેવલપમેન્ટ કર્યું હતું.
ગામ અમારું તેથી પ્રદેશ પણ અમારો: ચીનની ચાલ
ગામનું નિર્માણ, અન્ય બાંધકામો વગેરે દ્વારા ચીન આ પ્રદેશમાં પોતાની હાજરી મજબૂત કરી રહ્યું છે. પરિણામે ભારત સરકાર જ્યારે વાંધો ઉઠાવે ત્યારે ચીન એવું કહી શકે કે અમારા તો ગામ અહીં વસે છે માટે આ ભૂમિ અમારી જ છે. ગામ સહિતના બાંધકામો થઈ જાય ત્યાં સુધી ભારત સરકાર ઊંઘતી રહે એ ચીન માટે લાભદાયી પરિસ્થિતિ છે. સરકાર ભલે એવો હુંકાર કરે કે ચીનને એક ઈંચ પણ જમીન નહીં આપીએ, પણ વાસ્તવિક્તા કંઈક જૂદી છે. આવા બાંધકામોથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનનો પક્ષ મજબૂત બને છે.
ભારત ઊંઘતું ઝડપાયુંઃ સુબ્રમણ્યમ્ સ્વામી
બીજી તરફ ભાજપ સાંસદ સુબ્રમણ્યમ્ સ્વામીએ આક્ષેપ કર્યો છે કે ભારત આ મામલે ઊંઘતું ઝડપાયું છે. આ એક મોટી ભૂલ છે. ચીને ફરી એક વાર ભારતની જમીન હડપ કરી છે તે મામલે તે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે વાત કરશે તેવા પ્રત્યાઘાતો આપ્યા છે.
જાસૂસી કરવા આવતું ચીની જહાજ ઝડપાયું
ભારત સાથે જોડાયેલા સરહદી ક્ષેત્રોમાં ચીનની અવળચંડાઇના અહેવાલો વચ્ચે હિન્દ મહાસાગરમાં જાસૂસી માટે આવી રહેલું ચીની જહાજ ઈન્ડોનેશિયાના સમુદ્રી વિસ્તારમાંથી પકડાયું હતું. આ જહાજ ઈન્ડોનેશિયા પાસેથી પસાર થતું હતું ત્યારે તેણે તેની ઓટોમેટેડ ઈન્ફર્મેશન સિસ્ટમ બંધ રાખી હતી. આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી પસાર થતા દરેક જહાજ માટે આ સિસ્ટમ ચાલુ રાખવી ફરજિયાત હોય છે. ચીની જહાજની ઈન્ડોનેશિયાના કોસ્ટ ગાર્ડે તપાસ કરતા તેમાં જાસૂસીની સામગ્રી હોવાનું જણાયું હતું. એ પહેલા પણ ચીને અન્ડરવોટર ડ્રોન સહિતની સામગ્રી હિન્દ મહાસાગરમાં ખડકી હોવાના પુરાવા મળ્યા હતા. આ નેટવર્ક દ્વારા ચીન ભારતીય જહાજો અને ખાસ તો પાણી નીચેથી પસાર થતી સબમરિનો પર ધ્યાન રાખવા માંગે છે.