નવી દિલ્હી: ચાઈનીઝ લોન એપ સંબંધિત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બેંગ્લુરુમાં ઓનલાઈન પેમેન્ટ ગેટવે-પેટીએમ, રેઝરપે અને કેશફ્રીનાં કાર્યાલયો પર દરોડા પાડ્યા. તપાસ એજન્સી ચીનની વ્યક્તિઓ દ્વારા નિયંત્રિત સ્માર્ટફોન પર ગેરકાયદે લોન આપવાના કેસની તપાસ કરી રહી છે. દરોડા દરમિયાન મર્ચન્ટ આઈડી અને ચીનીઓ દ્વારા નિયંત્રિત સંસ્થાઓનાં બેન્ક ખાતાં તથા મર્ચન્ટ આઈડી પરથી 17 કરોડ રૂપિયા જપ્ત કરી લીધા હતા. બેંગ્લુરુમાં સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા નોંધાયેલી 18 એફઆઈઆર પર ઈડીએ શુક્રવારે કાર્યવાહી કરી હતી. આ એફઆઈઆરમાં સંસ્થાઓ કે વ્યક્તિઓ દ્વારા આરોપ મુકાયો હતો કે તે મોબાઈલ એપના માધ્યમથી નાની રકમની લોન લેનારાઓ પાસેથી બળજબરીથી વસૂલી કરે છે
ઇન્ટેલિજન્સને મળેલા ઈનપુટ અનુસાર આ સમગ્ર ખેલમાં 200થી વધુ ચીની નાગરિકોના સામેલ હોવાની આશંકા છે. તેમાંથી અમુકે ભારતીય પાસપોર્ટ, આધારકાર્ડ તથા અન્ય દસ્તાવેજો બનાવી લીધાં છે અને સ્થાનિક ભાષા પણ શીખી લીધી છે. ચિંતાની વાત એ છે કે તેમનામાં વિઝાની મુદત સમાપ્ત થઈ ગઈ હોવા છતાં દેશમાં રોકાયેલા ચીની નાગરિકો ઉપરાંત ઘૂસણખોરી કરીને આવેલા લોકો પણ સામેલ છે.