બિજિંગઃ ચીને ધાર્મિક કટ્ટરપંથનો સામનો કરી રહેલા પોતાના પશ્ચિમી પ્રાંત શિનજિયાંગમાં સ્થિતિ સામાન્ય કરવા અને તેના પર પોતાનો અંકુશ મજબૂત કરવા માટે મુસ્લિમો પર લગામ મૂકી છે. મુસ્લિમ બહુમતિ ધરાવતા આ પ્રાંતમાં ચીન હવે કોઇને પણ ‘અસમાન્ય’ દાઢી નહિ રાખવા દે. અન્ય કેટલાક દેશોની જેમ તેણે પણ હવે જાહેર સ્થળોએ મહિલાઓને બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. અગાઉ તેણે રમઝાન દરમિયાન લોકોને રોઝા નહિ રાખવાનો આદેશ કર્યો હતો.
છેલ્લાં કેટલાંક વર્ષોથી શિનજિયાંગ પ્રાંત લઘુમતિ સમુદાય ઉઇઘુર સાથે સંબંધિત હિંસાના કેસ સામે ઝઝૂમી રહ્યો છે. તેમાં અત્યાર સુધીમાં સંખ્યાબંધ લોકો માર્યા ગયા છે. ચીન અહીંની તંગદિલી અને હિંસા માટે ઇસ્લામિક સ્ટેટ અને અલગતાવાદીઓ પર દોષનો ટોપલો ઢોળે છે. જોકે, તેના દાવાથી વિપરીત માનવાધિકાર સંગઠનોનો આક્ષેપ છે કે અહીં ચીનની દમનકારી નીતિઓના વિરોધમાં હિંસા થઇ રહી છે. ચીની સરકારે કહ્યું છે કે તે શિનજિયાંગ પ્રાંતમાં લઘુમતિઓ પર કોઇપણ પ્રકારનો અત્યાચાર કરતી નથી.
સરકારનો એવો પણ દાવો છે કે મુસ્લિમોને કાયદાકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક અધિકારોને સરકારી સંરક્ષણ અપાયેલું છે. કેટલાંક સંગઠનો સમયાંતરે ચીનના આ દાવાને નકારે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીં માર્યા ગયેલાં લોકોની સંખ્યા અને ચીની સંખ્યાની અહીં મોટાપાયે હાજરીથી સંકેત મળે છે કે માનવાધિકાર સંગઠનોનો આક્ષેપ સાચો છે. હવે દાઢી વધારવા અને બુરખા પહેરવા પર સરકારે મૂકેલો પ્રતિબંધ પણ આ આક્ષેપોને સમર્થન આપે છે.
શિનજિયાંગ પ્રાંતની સરકારે કેટલાક નવા કાયદા પસાર કર્યા હતા. આ તમામ કાયદા પહેલી એપ્રિલથી અમલી બનશે.