નવી દિલ્હીઃ ઇન્ડિયન આર્મી દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચીનને સંકેતો અપાઈ રહ્યાં છે કે ઘૂસણખોરી કે અન્ય કોઈ સરહદી હિલચાલ માટે મર્યાદામાં રહે. ઉત્તરમાં પાકિસ્તાનથી માંડીને ચીન સુધીની સરહદો પર હવાઇસેનાની વ્યાપક કવાયતો પછી ભારતીય નૌકાસેનાએ ચીની નૌકાસેનાને મજાકના સ્વરમાં ચેતવણી આપી દીધી છે કે હિંદ મહાસાગરમાં અમારી શક્તિઓ સામે સાવચેત રહેજો. હિંદ મહાસાગરમાં ચીની નૌકાસેનાનાં ૩ જહાજોના પ્રવેશ બાદ ભારતીય નૌકાસેનાએ ટ્વિટ કર્યું હતું કે, પીએલએ નેવીની ૨૯મી એન્ટિપાયરસી એસ્કોર્ટ ફોર્સનું હિંદ મહાસાગરમાં સ્વાગત છે. હેપ્પી હંટિંગ. વી કેન સી યુ. ચીને દાવો કર્યો હતો કે, અમે પાયરસી પર લગામ કસવા માટે હિંદ મહાસાગરમાં અમારા યુદ્ધજહાજો તહેનાત કર્યાં છે. અમારું લક્ષ્ય હિંદ મહાસાગરમાં રિસર્ચ બેઝ તૈયાર કરવાનું છે.
ભારતીય નૌકાદળે વેલકમ ટ્વિટ કર્યા પછી વધુ એક ટ્વિટમાં ભારતીય નૌકાદળનાં યુદ્ધજહાજોની તહેનાતીનો નકશો જારી કરતાં જણાવ્યું હતું કે, ફારસની ખાડીથી મલાક્કા સ્ટેટ અને ઉત્તરમાં બંગાળની ખાડીથી દક્ષિણ હિંદ મહાસાગર સુધી અને આફ્રિકાના પૂર્વ કિનારા સુધી ૨૪ કલાક અમારી નજર રહે છે. અમે અમારી જળસીમાઓને સુરક્ષિત રાખવા માટે દરેક સમયે સક્ષમ છીએ. ભારતીય નેવીએ આ ટ્વિટ દ્વારા ચીનને મજાકના સ્વરમાં સ્પષ્ટ સંદેશ પાઠવી દીધો છે કે ભારતીય નેવી તેની જળસીમાઓની સુરક્ષા માટે સંપૂર્ણ સજાગ અને સક્ષમ છે.