શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં ૧૨ હજાર ફૂટ કરતાં પણ વધુ ઊંચાઇએ આવેલી ગુફામાં બિરાજતા બાબા અમરનાથની શિવભક્તોમાં એક ઓળખ બર્ફાની બાબા તરીકેની પણ છે. દર વર્ષે અમરનાથ ગુફામાં રહસ્યમય રીતે પ્રગટ થતાં બર્ફાની બાબાના દર્શનાર્થે હજારો ભક્તો અનેક મુશ્કેલી અને કષ્ટો સહન કરીને યાત્રા કરતાં હોય છે. વર્ષનો મોટા ભાગનો સમય અમરનાથ ગુફા બરફથી ઢંકાયેલી રહે છે અને માત્ર થોડાક દિવસો માટે બરફ ઓગળતાં ત્યાં યાત્રા શક્ય બને છે. અમરનાથ યાત્રા સામાન્ય રીતે ૨૧ જુલાઈથી શરૂ થાય છે અને શ્રાવણી પૂનમે (આ વર્ષે ૩ ઓગસ્ટે) તેનું સમાપન થતું હોય છે. જોકે ચાલુ વર્ષે તો કોરોના મહામારીના કારણે આ પણ શક્ય બન્યું નથી. ભારતમાં અમરનાથ ગુફામાં પ્રગટ થતાં બર્ફાની બાબા જેવા જ બરફમાંથી કુદરતી રીતે રચાતાં શિવલિંગ વિશ્વના અન્ય દેશો ઓસ્ટ્રિયા, અલાસ્કા, સ્વિત્ઝરલેન્ડ અને સ્લોવેકિયામાં પણ જોવા મળે છે. તો ચાલો, વિશ્વના અન્ય દેશોના બર્ફાની બાબાની યાત્રાએ...
(૧) ઓસ્ટ્રિયાઃ યુરોપિયન દેશ ઓસ્ટ્રિયામાં પણ એક ગુફામાં બરફમાંથી કુદરતી રીતે તૈયાર થતી આકૃતિ બર્ફાની બાબા જેવી જ લાગે છે. સલ્જબર્ગની પાસે આવેલી વરફેનની ગુફામાં જોવા મળતાં બર્ફાની બાબા અનોખા નીલા રંગના જોવા મળે છે અને તેની આસપાસ પણ નાની નાની શિવલિંગ જેવી આકૃતિ કુદરતી રીતે તૈયાર થાય છે. આ ગુફાને સન ૧૮૭૯માં શોધવામાં આવી હતી અને તેના દર્શન માટેનો સમય મે મહિનામાં શરૂ થાય છે, જે છેક ઓક્ટોબર સુધી ચાલે છે.
(૨) અલાસ્કાઃ અમેરિકી સ્ટેટ અલાસ્કાની ઓળખ તો હીમપ્રદેશ તરીકેની જ છે. વર્ષનો મોટા ભાગનો સમય બરફની સફેદ ચાદર તળે ઢંકાયેલા રહેતા અલાસ્કામાં સ્વાભાવિક રીતે જ કુદરત તેની કારીગરી પણ બરફના માધ્યમથી અભિવ્યક્ત કરે છે. અલાસ્કામાં એક મેંડેનહાલ ખીણ વિસ્તાર છે, ત્યાંના ગ્લેશિયરની ગુફામાં અદભૂત પ્રાકૃતિક રચનાઓ જોવા મળે છે. અહીં નાના-મોટા બર્ફીલા શિવલિંગ જેવી આકૃતિઓ જોવા મળે છે તો તેની સાથે સાથે સાપ, માછલી જેવી આકૃતિઓ પણ બરફમાંથી આપમેળે ઉપસી આવી હોય તેમ જોવા મળે છે. અનોખા વાતાવરણ અને કુદરતની કરામતને કારણે સફેદ બરફ પણ ત્યાં અવનવા રંગોમાં રંગાઈ જાય છે.
(૩) સ્વિત્ઝર્લેન્ડઃ પૃથ્વી પરના સ્વર્ગ તરીકે ઓળખાતા સ્વિત્ઝર્લેન્ડના બર્ફિલા પર્વતો અને ગ્લેશિયરોની ભરમાર છે. કુદરતે સ્વિત્ઝર્લેન્ડને પણ છુટ્ટા હાથે પ્રાકૃતિ સંપદાની ભેટ ધરી છે. સ્વિત્ઝર્લેન્ડના મિટેલાલાલિન શહેરની નજીકમાં આવેલી ગુફાને ફેયરી ગ્લેશિયર તરીકે ઓળખવામાં આવે છે. આ ગુફામાં પણ કુદરતે આપમેળે જ બરફમાંથી શિવલિંગ બનાવ્યા હોય તેવી આકૃતિઓ ઉપસેલી જોવા મળે છે. આશરે ૭૦ ફૂટ લાંબી સુરંગમાંથી પસાર થઈને લોકો બરફમાંથી બનતી શિવલિંગ જેવી પ્રતિકૃતિ નિહાળવા જતાં હોય છે. ગુફામાં રંગબેરંગી રોશની પણ કરાઇ છે, જેથી બરફમાંથી કુદરતે તૈયાર કરેલી કૃતિ સ્પષ્ટતાથી જોઈ શકાય છે.
(૪) સ્લોવેકિયાઃ સેન્ટ્રલ યુરોપમાં આવેલા અન્ય એક દેશ સ્લોવેકિયામાં પણ બર્ફાની બાબાની જેમ જ પ્રાકૃતિક રીતે જ બરફના શિવલિંગની રચના થાય છે. સ્લોવેકિયાના દોબસીના સ્થિત દોબસિંસ્કા ગુફામાં પણ બરફમાંથી શિવલિંગની રચના થઈ હોય તેમ જોઈ શકાય છે. આ ગુફાની શોધ ૧૮૭૦માં માઇનિંગ એન્જિનિયર રુફિનીએ કરી હતી. તેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે અને આ યુરોપની એવી પ્રથમ ગુફા છે કે જેને વીજળીના અજવાળાથી રોશન કરવામાં આવી છે.