સાન્ટિયાગોઃ દુનિયાનું સૌથી શુદ્ધ પાણી ક્યાં છે, તેનો જવાબ સંશોધકોએ શોધી કાઢ્યો છે. દક્ષિણ અમેરિકા ખંડના દેશ ચિલીમાં આવેલા પોર્ટ વિલિયમ્સ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં મળતું પાણી કુદરતી રીતે શુદ્ધ છે. એનાથી વધારે શુદ્ધ પાણી જગતમાં બીજે ક્યાંય નોંધાયું નથી.
અમેરિકાની મેંગેલન અને નોર્થ ટેક્સાસ યુનિવર્સિટીના સંશોધકોએ ભેગા મળીને આ સંશોધન કર્યું હતું. સંશોધકોએ આ વિસ્તારના વિવિધ જળાશયોમાંથી પાણીના નમૂના લઈ તેની તપાસ કરી હતી.
પાણીમાં દર દસ લાખ ભાગે કેટલો ભાગ અશુદ્ધ છે, તેની ગણતરીના આધારે પાણીની શુદ્ધતા મપાતી હોય છે. અહીંના પાણીમાં તપાસ કરતાં સંશોધકોને દસ લાખ ભાગે એક પણ ભાગ અશુદ્ધિના મળ્યા નથી. એટલે પાણી સંપૂર્ણપણે શુદ્ધ છે એમ કહી શકાય. ચિલી દક્ષિણ અમેરિકા ખંડમાં ઉભો પથરાયેલો દેશ છે. પોર્ટ વિલયમ્સ શહેર દેશના છેક દક્ષિણ છેડે ચીલાના પાટનગર સાન્ટિયાગોથી ૩૫૫૧ કિલોમીટર દૂર આવેલું છે.
અહીં પાણી ઉપરાંત હવા પણ શુદ્ધ છે. ખાસ તો ૧૯મી સદીમાં આખા જગતમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ પછી જે વાતાવરણમાં પરિવર્તન આવ્યું એ અહીં નથી આવ્યું. આ વિસ્તાર ઉપરાંત ચીનના દક્ષિણ ભાગમાં, ન્યૂ યોર્ક રાજ્યના અપસેટ વિસ્તારમાં અને પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં પણ અત્યંત શુદ્ધ પાણી મળ્યું છે. ચિલીના જ ટોરેસ પાઈન નેશનલ પાર્કમાં પણ પાણી અત્યંત શુદ્ધ છે. જોકે એ બધા પાણીનો ક્રમ પોર્ટ વિલિયમ્સના પાણી પછી આવે છે.
પોર્ટ વિલિયમ્સ દક્ષિણે આવેલું હોવાથી દુનિયાનું સૌથી દક્ષિણ છેડાનું શહેર પણ કહેવાય છે. એન્ટાર્કટિકા ખંડ પર સંશોધન કરતા અનેક વિજ્ઞાનીઓ અહીં પડાવ નાંખીને રહે છે.
એન્ટાર્કટિકા જતાં પ્રવાસીઓ માટે પણ પોર્ટ સૌથી મહત્ત્વનો પોઈન્ટ છે. ભારતમાં હિમાચલ પ્રદેશ કે સિક્કિમના સરોવરો પૈકીના કોઈ સ્થળે શુદ્ધ પાણી હોવાનું મનાય છે, પણ તેની વૈજ્ઞાનિક તપાસ થવાની બાકી છે.