લંડનઃ ચીનની આકરી ધમકીઓ વચ્ચે મંગળવારે સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 10-20 કલાકે અમેરિકી સંસદના હાઉસ સ્પીકર નેન્સી પેલોસી તાઇવાનની મુલાકાતે પહોંચ્યા હતા. છેલ્લા 25 વર્ષમાં પહેલીવાર અમેરિકાનો કોઇ ટોચના નેતાએ તાઇવાનની ધરતી પર પગ મૂક્યો છે. ચીને નેન્સી પેલોસીના વિમાનને ફૂંકી મારવાની ધમકી આપી હોવાથી યુએસ સસેનાના 24 ફાઇટર જેટ વિમાનોએ પેલોસીના વિમાનને એસ્કોર્ટ કર્યું હતું. ચીન અને અમેરિકાની સામસામી ધમકીઓના પગલે આ મુલાકાતથી વૈશ્વિક રાજકારણમાં ભારે ગમરાટો આવી ગયો છે.
પેલોસીએ તાઇવાનની ધરતી પર પગ મૂકતાં જ ચીની વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકા ખતરનાક જુગાર રમી રહ્યો છે. આ મુલાકાતના જે કાંઇ ગંભીર પરિણામો આવશે તેની જવાબદારી અમેરિકાએ લેવી પડશે.
તાઇવાન પહોંચ્યા પછી નેન્સી પેલોસી અને અમેરિકી કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકી સંસદની પ્રતિનિધિ સભાના સ્પીકર દ્વારા તાઇવાનની છેલ્લા 25 વર્ષમાં આ પહેલી મુલાકાત છે. નેન્સી પેલોસી તાઇવાનના જીવંત લોકતંત્રનું સમર્થન કરે છે. આ મુલાકાત ઇન્ડો-પેસિફિક બોર્ડર ટ્રિપનો હિસ્સો છે. આ ટ્રિપમાં સિંગાપોર, મલેશિયા, દક્ષિણ કોરિયા અને જાપાન પણ સામેલ છે. નેન્સી પેલોસીએ એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મારી મુલાકાત તાઇવાનની લોકશાહીને અમેરિકી સમર્થનની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તાઇવાનના નેતાઓ સાથેની અમારી મુલાકાત અમારા સાથી દેશ સાથેના અમારા હિતોને વેગ આપશે. તાઇવાનની 2.3 કરોડની જનતાની પડખે અમેરિકા ઊભો છે. વિશ્વ સરમુખત્યારશાહી અને લોકશાહીના વિકલ્પો વચ્ચે ઝઝૂમી રહ્યું છે ત્યારે આ એક મહત્વનો દિવસ છે.
ચીન અને અમેરિકાની સેનાઓ સામસામે ગોઠવાઇ
અમેરિકાએ ચીનની ધમકીઓને પહોંચી વળવા તાઇવાનની નજીક એક વિમાનવાહક જહાજ સહિત ચાર વોરશિપ તહેનાત કર્યાં હતાં. અમેરિકાના આ વોરશિપ એફ-16 અને એફ-35 ફાઇટર જેટ અને મિસાઇલોથી સજ્જ છે. બીજીતરફ ચીને પણ તાઇવાન સરહદ નજીક લોંગ રેન્જના હુડોંગ મિસાઇલ અને ટેન્ક તહેનાત કરી દીધાં હતાં. તે ઉપરાંત તાઇવાન સ્ટ્રેઇટમાં ચીને તેના જંગી જહાજોને મોકલી આપ્યાં હતાં. મંગળવારે ચીની ફાઇટર જેટ વિમાનોએ તાઇવાન સ્ટ્રેઇટ પાર કરીને ઉડાન ભરી હતી. ચીને તેના વિમાનવાહક જહાજો લિઓનિંગ અને શેનડોંગને તાઇવાન તરફ રવાના કર્યા હતા અને તાઇવાનથી ફક્ત પાંચ કિમીના અંતરે આવેલા ક્યુમોય ટાપુ નજીક મોટી સંખ્યામાં સેનાનો ખડકલો કરી દીધો હતો.
તાઇવાને મિલિટરીને હાઇ એલર્ટ પર મૂકી દીધી
પેલોસીની મુલાકાત પહેલાં જ તાઇવાને તેની સેનાને હાઇએલર્ટના આદેશ જારી કરી દીધાં હતાં. સેનાના અધિકારીઓ અને જવાનોની રજાઓ રદ કરી તેમને યુદ્ધ માટે તૈયાર રહેવાની સૂચના અપાઇ હતી. તાઇવાનના એર ડિફેન્સ દળોને તાત્કાલિક યુદ્ધની તૈયારીના આદેશ અપાયા હતા. તાઇવાન સ્ટ્રેઇટમાં સર્વેલન્સ ઓપરેશન મજબૂત બનાવવા અને ચીની સેનાની કોઇપણ ધમકી સામે યુદ્ધના પગલાં લેવા સેનાને આદેશ અપાયો હતો.