વોશિંગ્ટનઃ ચીન અને અમેરિકા પરસ્પર રાજદ્વારી વાર પર ઉતરી આવ્યા છે. અમેરિકાએ ચીનને ૨૪મી જુલાઈએ સાંજે ચાર વાગ્યા સુધીમાં હ્યુસ્ટન અને ટેક્સાસમાં આવેલા ચીની વાણિજ્ય દૂતાવાસ બંધ કરવાના આદેશ કર્યાં હતા. અમેરિકી વિદેશ વિભાગે નિવેદનમાં જણાવ્યું હતું કે, વીતેલાં કેટલાંક વર્ષોથી ચીની રાજદ્વારીઓ અમેરિકામાં જાસૂસી કરતા હોવાનું સામે આવ્યું છે. તે ઉપરાંત અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ પણ થતી રહે છે.
એ પછી ચીન વિદેશ મંત્રાલયે ૨૪મી એ જ કહ્યું હતું કે, ચેંગ્દુ શહેરમાં અમેરિકી દૂતાવાસને અપાયેલું લાઇસન્સ પાછું લેવાયું છે. ચીની પ્રવકતાએ જણાવ્યું હતું કે, અમેરિકાએ બિનજરૂરી પગલાં લીધાં તેથી તેને જવાબ આપવો જરૂરી છે અને યોગ્ય પણ છે. અમેરિકાએ ચીનના બે વાણિજ્ય દૂતાવાસ બંધ કર્યા પછી ચીને પણ અમેરિકાને વળતો જવાબ આપવાની ધમકી આપી હતી.
આ ઉપરાંત દક્ષિણ ચીન સમુદ્ર પર વર્ચસ્વ જમાવવા અંગે અમેરિકા સાથે વધતી તંગદિલી વચ્ચે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ દક્ષિણી ગુઆંનડોંગ પ્રાંતના લિઝોઉ પેનિનસુલામાં લાઈવ ફાયર ડ્રીલ શરૂ કરી છે. આ વિસ્તારને દક્ષિણ ચીન સમુદ્રનું પ્રવેશદ્વાર કહેવાય છે.
અમેરિકી યુદ્ધવિમાન શાંઘાઈથી નજીક આવતાં તંગદિલી
બિજિંગઃ અમેરિકાનું યુદ્ધવિમાન પી-૮એ ૨૬મી જુલાઈએ ચીનના શાંઘાઈથી માંડ ૭૬ કિલોમીટર દૂર ઉડતાં ચીન ભડક્યું હતું. ચીની થિન્ક ટેન્કના અહેવાલ પ્રમાણે, આ પ્રકારનું જાસૂસી વિમાન શાંઘાઈથી તદ્દન નજીક ઉડ્યું હતું. આ અંગે ચીની સરકાર અંધારામાં રહી હતી કે પછી ચીની સરકારે મૌન રહેવાનું પસંદ કર્યું છે એ અંગે સ્પષ્ટતા થઈ નથી. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં પ્રથમવાર અમેરિકી વિમાનો આ રીતે ચીની મુખ્યભૂમિ અને તેના મહત્ત્વના શહેર નજીક પહોંચ્યા હોવાની ઘટના નોંધાઈ છે.
અમેરિકાની જાસૂસી બદલ ચીની મહિલાની ધરપકડ
વોશિંગ્ટનઃ સાન ફ્રાન્સિસ્કોમાં ૨૪મી જુલાઈ અને ૨૫મી જુલાઈએ રાત્રે ૩ વાગ્યે FBIએ ડિપ્લોમેટિક ફેસેલિટીથી ચીની મહિલા તાંગ ઝૂઆન (ઉં ૩૭)ની ધરપકડ કરી હતી. મહિલા વૈજ્ઞાનિકના ઘરની તપાસમાં મળેલા પુરાવાઓના આધારે સાન ફ્રાન્સિસ્કો એમ્બેસીમાંથી તેની ધરપકડ થઈ હતી. આ સાથે વધુ ૨૫ ચીની જાસૂસ પર નજર હોવાનો દાવો અમેરિકાએ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ દેશમાં વધુ ૩ ચીની જાસૂસોની શોધ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાંગને ઘણી વાર દેશના વિવિધ કોન્સ્યુલેટ અથવા રાજદ્વારી ફેસેલિટીમાં જતા જોવાઈ હતી. તાંગ સોશિયલ મીડિયા પર પણ નહોતી. જોકે, તેના એક મિત્રે તેનો ફોટો ફેસબુક પર શેર કર્યો છે. તાંગે બિજિંગમાં આર્મી લેબમાં કામ કર્યું ત્યારે આ ફોટો બનાવાયો હતો. FBIએ જણાવ્યું છે કે, તાંગ અમેરિકાની જાણીતી ડેવિસ રિસર્ચ લેબમાં મદદનીશ તરીકે કામ કરતા જાસૂસી કરતી હતી. તાંગ ઉપર દેખરેખ વધારાઈ હતી. આ સાથે એ સાબિત થયું કે શી જિનપિંગ અને તેની સૈન્ય ડિપ્લોમેટિક સ્ટેટસનો ઉપયોગ જાસૂસી કરવા માટે કરે છે. એવું અમેરિકાએ જણાવ્યું છે.
મ્યાનમારમાં બળવાખોરોને હથિયાર આપી ચીનની ભારત સામે ઉશ્કેરણી
એમ્સટર્ડેમઃ ચીન મ્યાનમારના બળવાખોરોને ઉશ્કેરીને ભારતના પૂર્વોત્તરના રાજ્યોમાં અશાંતિ ફેલાવવાનો ઇરાદો ધરાવતું હોવાના અહેવાલ ૨૫મી જુલાઈએ બહાર આવ્યા છે. નેધરલેન્ડની એમ્સટર્ડેમની થિંક ટેન્ક એજન્સી - યુરોપિયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝના અહેવાલો પ્રમાણે, વીતેલા દિવસોમાં મ્યાનમારમાં થાઇલેન્ડની સરહદે મેઇતાઓ વિસ્તારમાં ચીની હથિયારોનો જથ્થો ઝડપાયો હતો. તપાસમાં જણાયું કે, ભારતના પૂર્વોત્તર વિસ્તારના બળવાખોર સંગઠનો માટે તે હથિયારનો જથ્થો રવાના થયો હતો. ચીન લાંબા સમયથી મ્યાનમારમાં અરાકાન આર્મી નામના ત્રાસવાદી સંગઠનને સમર્થન કરતું રહ્યું છે.