બેઈજિંગઃ ચીનના રાષ્ટ્રપ્રમુખપદે આજીવન રહેવાની જોગવાઇ બાદ પોતાની બીજી પાંચ વર્ષની ટર્મનો પ્રારંભ કરતાં શી જિનપિંગે વિશ્વને તીખા સ્વરે જણાવ્યું હતું કે, ચીન પોતાની એક ઇંચ જગ્યા પણ જતી નહીં કરે અને પોતાની સ્વાયત્તતાની સુરક્ષા કરશે. ભારત સાથે સરહદી વિવાદો ઉપરાંત ચીન ઇસ્ટચાઇના સીમાં જાપાનના કબજામાં રહેલા ટાપુઓ અને સાઉથ ચાઇના સીના મોટા વિસ્તારો પર દાવો કરી રહ્યો છે.
ચીની સંસદના ૧૮ દિવસના સત્રમાં સમાપન ભાષણ આપતાં જિનપિંગે જણાવ્યું હતું કે અમે અમારી એક ઈંચ જગ્યા પણ જતી કરવાના નથી. કોઇ ચીન પાસેથી તેની જગ્યા છીનવી શકશે નહીં. આપણે ચીનની સ્વાયત્તતા અને પ્રાદેશિક અખંડતા જાળવવી જોઇએ. ચીનનો દરેક નાગરિક આમ ઇચ્છે છે. ચીનના મૂળભૂત સિદ્ધાંતો પણ આવા જ છે.