બીજિંગઃ ચીન અને તાઈવાનના રાજનેતાઓ વચ્ચે સોમવારે ૬૫ વર્ષમાં પ્રથમવાર સીધી ચર્ચા થઇ હતી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બંને દેશોના રાજકીય પક્ષોમાં સમાન સ્તરે ચર્ચાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો પણ સાથે શરત પણ મૂકી હતી. જો આ શક્ય ત્યારે જ બનશે કે જ્યારે તાઇવાન પોતાને ચીનનો ભાગ માની લે. જિનપિંગે કહ્યું હતું કે આમ થવા પર તાઇવાનના લોકોને પણ વધારે આર્થિક તક મળશે કારણ કે ચીન ઝડપથી આર્થિક વિકાસના રસ્તે આગળ વધી રહ્યું છે. ચીન વર્ષોથી શરત સામે મૂકતું રહ્યું છે પણ તાઇવાનનો બહુમતી વર્ગ તેની વિરુદ્ધમાં છે.
તાઇવાનની સત્તાધારી નેશનાલિસ્ટ પાર્ટીના પ્રમુખ એરિક ચૂએ સોમવારે ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રમુખ શી જિનપિંગ સાથે બીજિંગના ગ્રેટ હોલ ઓફ પીપલ ખાતે મુલાકાત કરી હતી. તાઇવાનના નેતાઓ આજકાલ ચીન સાથે વ્યાપાર સંપર્ક વધારવા માટે એક મોટું પ્રતિનિધિમંડળ ચીન પ્રવાસે છે.
ચૂ તરફથી પ્રકાશિત નિવેદનમાં રાજકીય સંપર્કનો કોઇ ઉલ્લેખ નથી પણ તેમણે આશા વ્યક્ત કરી હતી કે તાઇવાનને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સંગઠનોમાં વધારે ભાગીદારીનો અધિકાર મળશે. ચીન અત્યાર સુધી તેનો વિરોધ કરતું રહ્યું છે.
તાઇવાનમાં વિરોધ
ચીન તાઇવાનને પોતાનો ભાગ માને છે જ્યારે તાઇવાન પોતાને અલગ દેશ માને છે. ૧૯૪૯માં ગૃહયુદ્ધ બાદ ચીન પર કોમ્યુનિસ્ટ પાર્ટીનો કબજો હતો અને ત્યાંના શાસક ચ્યાંગ કાઈ શેકે તાઇવાન ભાગવું પડ્યું હતું ત્યારથી બંને વચ્ચે વિવાદ છે. તાઇવાનની સત્તાધારી નેશનાલિસ્ટ પાર્ટી ચીન તરફી વલણ ધરાવે છે પણ ગયા વર્ષે માર્ચ મહિનામાં તાઇવાનની સંસદ પર હજારો લોકોએ અનઅપેક્ષિત રીતે કબજો કરી લીધો હતો. તેઓ ચીન સાથે કોઇ પણ પ્રકારના વ્યાપારિક સંબંધોનો વિરોધ કરી રહ્યા હતા. તે વિરોધના પરિણામે નેશનાલિસ્ટ પાર્ટીને નવેમ્બરમાં થયેલી સ્થાનિક એકમોની ચૂંટણીમાં હાર સહન કરવી પડી હતી.