નવી દિલ્હીઃ ચીન તેબેટના શિગાંત્સેમાં મોટું લશ્કરી લોજિસ્ટિક હબ ઊભું કરી રહ્યું હોવાના અહેવાલ છે. આ અંગેની સેટેલાઇટ તસવીરો પણ મળી છે. નિષ્ણાતોનું માનવું છે કે, સમગ્ર વાસ્તિવક અંકુશ રેખા પર ઓપરેશનને સબળ બનાવવા કનેક્ટિવિટી અને માળખાકીય સુવિધા વધારવા બિજિંગ તરફથી પ્રયાસ થઈ રહ્યા છે. એક ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ સમીક્ષકે ટ્વિટર પર શેર કરેલી તસવીરોમાંથી એક તસવીરમાં બાંધકામ હેઠળની સંખ્યાબંધ ઇમારતો પણ જોવા મળે છે. તેમાં સરફેસ ટુ એર મિસાઇલ સાઇટ, સૈન્યને ટેકો આપવા ઊભી થઈ રહેલી ઇમારત, નવા રેલવે ટર્મિનલ, નવી રેલવે લાઇન અને સંભવિત ઈંધણ ભંડાર હોવાના સંકેત છે. સ્થળ પર નવી ભૂગર્ભ સુવિધાઓ પણ ઊભી થતી હોવાનું જણાય છે.
ઠંડીના લીધે ચીને ૧૦૦૦૦ સૈનિક હટાવ્યા
ભારત સાથે પ્રવર્તી રહેલી મડાગાંઠ અને તંગદિલી વચ્ચે અતિ ઠંડીના કારણે ચીને એલએસી પરથી પોતાના ૧૦૦૦૦ સૈનિકોને દૂર કર્યાં છે. ભારતીય સરહદ નજીક ૨૦૦ કિ.મી. વિસ્તારમાંથી ચીનના સૈનિકો દૂર થઈ ચૂક્યા છે. લદ્દાખમાં તાપમાનનો પારો શૂન્ય નીચે જતાં ચીને આ પગલું લીધું હોવાનું કહેવાય છે.
પૂર્વ લદ્દાખમાં પકડાયેલા ચીની સૈનિકને ભારતે પરત સોંપ્યો
પેંગોગ ત્સોના દક્ષિણ તટ વિસ્તારમાં વાસ્તવિક અંકુશ રેખા ખાતે ભારતીય રેખામાં પ્રવેશ્યા પછી ચીની સૈનિકની ધરપકડ થઈ હતી. ચીને જણાવ્યું હતું કે, અંધારાને કારણે વિસ્તારને સમજી ના શકતાં તે ભારતીય વિસ્તારમાં પહોંચી ગયો હતો તેથી તેને મુક્ત કરાય. એ પછી ચુખૂલ મોલ્ડો બોર્ડર પોઇન્ટ પર સવારે ૧૦.૧૦ના સુમારે તે સૈનિકને ભારતે ચીની સૈન્યને પરત સોંપ્યો હતો.