લંડનઃ બ્રિટનમાં વસતા અનેક બલૂચો અને સિંધવાસીઓએ માનવાધિકાર ભંગ અને ૪૬ બિલિયન ડોલરના ઈકોનોમિક કોરિડોર વિરોધમાં ચીનના દૂતાવાસની બહાર પાકિસ્તાન અને ચીન વિરુદ્ધ જોરદાર દેખાવો કર્યાં હતાં. દેખાવકારોએ ‘બલૂચિસ્તાન ઝિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ’ના સૂત્રો પોકાર્યા હતા અને બલૂચિસ્તાનનો મુદ્દો ઊઠાવવા બદલ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. પાકિસ્તાનમાં બલુચિસ્તાનની સાથે હવે સિંધે પણ જોરદાર રીતે આઝાદીની માગણી શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનથી આઝાદી સમર્થકોને બળ મળ્યું છે. ‘મોદી ફોર બલુચિસ્તાન’ના બેનર્સ સાથે ‘કદમ બઢાઓ મોદીજી હમ તુમ્હારે સાથે હૈ’, ‘હે હક હમારા આઝાદી લે કે રહેંગે’ના સૂત્રો પણ પોકારાયા હતા.
આ દેખાવોમાં બલૂચ હ્યુમન રાઈટ્સ કાઉન્સીલ યુકે (બીએચઆરસી- યુકે) અને વર્લ્ડ સિંધી કોંગ્રેસના સભ્યો પણ જોડાયા હતા. ગત સપ્તાહે જર્મનીમાં પણ બલૂચોએ પાક. વિરુદ્ધ દેખાવો કર્યા હતા. બીએચઆરસી- યુકેએ નિવેદનમાં જણાવ્યું હતું કે ચીનથી પીઓકે થઇને ગ્વાદર પોર્ટ સુધી પહોંચતા ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી)ના અમલ માટે પાકિસ્તાનના સુરક્ષા દળોએ બલૂચિસ્તાન અને સિંધમાં ઓપરેશન વધુ તીવ્ર બનાવી દીધું છે. આ ઓપરેશન દરમિયાન પાક. સુરક્ષા દળો ખુલ્લેઆમ માનવાધિકારોનો ભંગ કરી રહ્યાં છે. બલૂચો માને છે કે તેમને તેમની જ ભૂમિમાં લઘુમતીમાં લાવવા માટે સીપીઈસીનો બળજબરીપૂર્વક અમલ થઈ રહ્યો છે. અમે દરેક સ્તરે આ કોરિડોરનો ખુલ્લો વિરોધ કરીશું.
બલૂચ સ્ટુડન્ટ્સ એન્ડ યુથ એસોસિએશનના સભ્ય દેખાવકારે જણાવ્યું હતું કે પાકિસ્તાન બળજબરીપૂર્વક બલુચિસ્તાન પર સીપીઈસી થોપવા માંગે છે. અમને લઘુમતી જાતિ ગણાવીને અમારી જમીનમાંથી જ વિસ્થાપિત કરાઈ રહ્યા છે.