નવી દિલ્હીઃ વિશ્વની મોટી રમકડા ઉત્પાદક કંપનીઓ હવે ચીન છોડીને ભારતમાં શિફ્ટ થઈ રહી છે. 2015 અને 2023 વચ્ચે દેશના રમકડા ઉદ્યોગમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ છે. તેની નિકાસમાં 239 ટકાનો વધારો થયો છે, જ્યારે આયાતમાં 52 ટકાનો ઘટાડો થયો છે. આના ત્રણ કારણો છે. પહેલું કારણ તો એ કે ભારતે રમકડાંના વેચાણ માટે બ્યૂરો ઓફ ઇંડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ) નિયમો બનાવ્યા છે. બીઆઇએસની મંજૂરી વિના ભારતમાં કોઈ પણ કંપની રમકડાં વેચી શકે નહીં. બીજું કારણ એ છે કે સ્થાનિક ઉત્પાદકોને રક્ષણ અને ત્રીજું કારણ છે કે મૂળભૂત કસ્ટમ ડ્યુટી 70 ટકા સુધી. માર્કેટ રિસર્ચ ફર્મ આઇએમએઆરસીના જણાવ્યા અનુસાર, દેશનું રમકડાનું બજાર અત્યારે 14 હજાર કરોડ રૂપિયાનું છે. જેની કિંમત 2032માં 36,000 કરોડ રૂપિયા થશે. 6000 કારખાનાઓમાં રમકડાં બનાવવામાં આવી રહ્યા છે.
ચેન્નાઈ સ્થિત ફનસ્કૂલના સીઈઓ જસવંત કહે છે કે હાસ્બ્રો, મેટલ, સ્પિન માસ્ટર, અર્લી લર્નિંગ જેવી વૈશ્વિક બ્રાન્ડ્સ ભારતમાંથી સામાનનું સોર્સિંગ કરી રહી છે. ડ્રીમ પ્લાસ્ટ, માઈક્રોપ્લાસ્ટ અને ઈન્કાસ જેવી ઈટાલિયન બ્રાન્ડ ધીમે ધીમે બદલાઈ રહી છે.