વોશિંગ્ટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા, આ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે ચીન સાથેના સરહદી વિવાદમાં ભારત ઇચ્છે તો પોતે મદદ કરવા તૈયાર છે. જોકે ભારતે તરત જ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે ભારતના સરહદી વિવાદમાં કોઈ ત્રીજા પક્ષની દખલ મંજૂર નથી.
મીડિયા સાથે વાત કરતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે ભારતે હંમેશા આ પ્રકારના વિવાદોમાં દ્વિપક્ષીય પ્રયાસોને જ અપનાવ્યા છે. ભારતે પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે કે કોઇ દેશ સાથેના સરહદી વિવાદમાં તે ત્રીજા કોઇ દેશની દખલ નહીં ચલાવે. પ્રમુખ ટ્રમ્પ મદદ કરવા તૈયાર હોવા હોવા અંગે જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે પાડોશી દેશો સાથેના કોઈ પણ વિવાદમાં હંમેશા આપણે દ્વિપક્ષીય વાતચીતને પ્રાથમિકતા આપી છે.
મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મેં જોયું છે કે ભારતની સરહદે કેટલીક જમીન પર દબાણ થયું છે. મને લાગે છે કે આ વિવાદ યથાવત્ રહેશે. જો હું મદદમાં ભાગીદાર થઇ શકું તો અમે તૈયાર છીએ કેમ કે આ વિવાદનો અંત લાવવો જરૂરી છે. ભારત-ચીન વચ્ચેનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે અને હિંસક પણ બની ચુક્યો છે.
જોકે ભારતે અમેરિકાના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો અને કહ્યું હતું કે અમે સરહદી વિવાદમાં કોઈ ત્રીજા દેશની દખલ નથી ઇચ્છતા. ગલવાન ઘાટીમાં ભારત-ચીન સૈન્ય વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં ભારતના 20 જેટલા જવાનો શહીદ થયા હતા, ચીનના પણ કેટલાક સૈનિકો માર્યા ગયા હતા.