નવી દિલ્હીઃ ભારત સાથે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે ચીનના સૈન્યે વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક કોંક્રિટ કેમ્પ ઊભા કર્યા છે, જેથી ભારત સાથેના વિવાદાસ્પદ સ્થળો પર ચીની સૈનિકો ખૂબ જ ટૂંકા સમયમાં પહોંચી શકશે. વરિષ્ઠ સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ચીનનો એક સ્થાયી કેમ્પ તો સિક્કિમની ઉત્તરે નાકુ લા વિસ્તારની સામે કેટલીક મિનિટોના અંતરે જ છે. આ સ્થળે ગયા વર્ષે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ વર્ષે જાન્યુઆરીમાં પણ બંને સૈન્ય સામસામે આવી ગયા હતા. વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ચીનના સ્થાયી માળખાથી ભારતની ચિંતા વધી ગઈ છે અને ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું હોવાની આશંકા વધી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીન ભારત સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર ફ્રન્ટલાઈન મોરચાઓ નજીક સૈનિકોને ગોઠવવા માટે સ્થાયી કોંક્રિટના માળખા ઊભા કરી રહ્યું છે. ઉપરાંત આ વિસ્તારમાં ચીને રસ્તાઓ પણ હાઈટેક બનાવી દીધા છે. જેથી યુદ્ધના સંજોગોમાં ચીની સૈન્ય ખૂબ જ ઝડપથી સરહદ પર પહોંચી શકશે. પૂર્વીય લદ્દાખથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધીના વિસ્તારોમાં આ આધુનિક ઈમારતોનું નિર્માણ ચીનના ઈરાદાઓ પર શંકા ઊપજાવે છે.