નવી દિલ્હી: ભારત સરકાર ચીનના બદઈરાદાઓના કાયમી ઉકેલરૂપે પૂર્વોત્તરમાં 40 હજાર કરોડ રૂપિયાના ખર્ચે ફ્રન્ટિયર હાઈવે બનાવવા જઇ રહી છે. આશરે 2000 કિમી લાંબો હાઈવે અરુણાચલ પ્રદેશની લાઈફલાઈન અને ચીન સામે ભારતની કાયમી ગ્રાઉન્ડ પોઝીશન લાઈન પણ સાબિત કરશે.
આ યોજનાના વ્યૂહાત્મક મહત્ત્વ અંગે વાત કરીએ તો તે ભારત-તિબેટ વચ્ચે ખેંચાયેલી સીમા રેખા મેકમોહન લાઈનથી થઈને પસાર થશે. અંગ્રેજોના વિદેશ સચિવ હેનરી મેકમેહોને સરહદ તરીકે તે રજૂ કરી હતી અને ભારત તેને જ અસલ સરહદ માને છે, જોકે ચીન તેને ફગાવે છે.
આ હાઈવેનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે મળીને કરશે. સૈન્ય લોજિસ્ટિક સપોર્ટ આપશે. ફ્રન્ટિયર હાઈવે તવાંગ બાદ ઈસ્ટ કામેંગ, વેસ્ટ સિયાંગ, દેસાલી, દોંગ અને હવાઈ બાદ મ્યાનમાર સુધી જશે.
આ યોજનાથી શું ફાયદો થશે તેવો સવાલ ઉઠવો સ્વાભાવિક છે. તો જાણી લો કે ચીન જ નહીં, મ્યાનમારની સરહદ પણ સુરક્ષિત થશે. સરહદી ક્ષેત્રથી પલાયન રોકવામાં મદદ મળશે. હાઈવેની આજુબાજુ વાઈબ્રન્ટ વિલેજ વિકસિત થવાથી એ સુના ગામો પર નજર રાખી શકાશે જેમને ચીન વસાવી રહ્યું છે.
ત્રણ હાઈવે મળીને એક થશે
અરુણાચલ પ્રદેશમાં બે નેશનલ હાઈવે પહેલાથી જ છે - ટ્રાન્સ અરુણાચલ હાઈવે અને ઈસ્ટ-વેસ્ટ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર. હવે આ ત્રીજા હાઈવે સાથે રાજ્યના તમામ કોરિડોર પરસ્પર મળી જશે અને દૂરના વિસ્તારો સુધી રોડ કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે.
સંપૂર્ણ અરુણાચલને જોડશે
આ હાઈવે અરુણાચલના તમામ મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક ક્ષેત્રોને કનેક્ટ કરશે. તેમાં તવાંગની કે માગો-થિંગબૂને વિજયનગરથી થઈને અપર સુબનસિરી, દિબાંગ ઘાટી, છાગલાગામ અને કિબિથૂ વચ્ચે હાઈવે કનેક્ટિવિટી અપાશે.
પૂર્વોત્તરમાં પણ થશે જી20ની બેઠકો
ભારત જી20ની કેટલીક બેઠકો પૂર્વોત્તર રાજ્યોમાં પણ યોજશે, જેથી અહીં પ્રવાસનને પ્રોત્સાહન મળી શકે. આયોજનના ભાગરૂપે એક બેઠક મિઝોરમની રાજધાની આઈઝોલમાં પણ યોજાશે. અહીં આંતરરાષ્ટ્રીય પ્રવાસન માટે 2022ના ઉદઘાટન વખતે કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે, સરકારે પૂર્વોત્તર રાજ્યો માટે એક પ્રવાસન સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે. અહીંના હાઇ-વેની બાજુમાં 100 વ્યૂ પોઇન્ટ પણ બનાવાશે. મિઝોરમમાં નવ વ્યૂ પોઇન્ટ બનાવવાની સાથે તેની શરૂઆત થશે.