નવી દિલ્હી: ચીને પૂર્વીય લદ્દાખમાં ઘર્ષણવાળા સ્થળો પરથી સૈનિકો પાછા ખેંચી લેવાની ખાતરી આપી હોવા છતાં એલએસી પર ચીની સૈનિકો ઓછા નથી થયા કે ચીને સરહદે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની કામગીરી પણ અટકાવી નથી. ચીનના આ કરતૂતોના કારણે જ પૂર્વીય લદ્દાખમાં સ્થિતિ 'સ્થિર છતાં અસાધારણ' હોવાનું જણાવતા આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે, આખી દુનિયા જાણે છે કે ચીનની કથની અને કરનીમાં ઘણો તફાવત છે. આપણે ચીન જે કહે છે તેના બદલે તે જે કરે છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે.
ચીન સાથે વિવાદોનો ઉકેલ લાવવા ટૂંક સમયમાં આગામી તબક્કાની સૈન્ય વાટાઘાટો યોજાશે ત્યારે ડેમચોક અને દેપસાંગમાંથી સૈનિકોને પાછા બોલાવવા પર ભાર મૂકવામાં આવશે તેમ આર્મી ચીફ મનોજ પાંડેએ કહ્યું હતું.
હિમાલયની પર્વતમાળામાં પૂર્વીય લદ્દાખમાં ચીને એપ્રિલ-મે 2020માં ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યા પછી બંને દેશો વચ્ચે વણસેલા સંબંધો વધુ કથળી રહ્યા છે. ગલવાન ખીણમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણને પગલે બંને દેશોએ યુદ્ધ જેવી સ્થિતિમાં સરહદ પર આમને-સામને સૈનિકો ખડકી દીધા હતા. ચીની સૈન્ય સાથે લગભગ 16 તબક્કાની વાટાઘાટો પછી અંતે ચીન કેટલાક ઘર્ષણપૂર્ણ વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચવા સંમત થયું હતું, પરંતુ હજુ સુધી તેણે તેના સૈનિકોને પાછા ખેંચ્યા નથી. જોકે, હિમાલયની પર્વતમાળામાં શિયાળાના કારણે ચીને કેટલાક વિસ્તારમાંથી સૈનિકોને પાછા બોલાવ્યા હોવાના સંકેતો મળે છે.
આર્મી ચીફ મનોજ પાંડેએ શનિવારે એક કાર્યક્રમ દરમિયાન પૂર્વીય લદ્દાખ અંગે મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ચીન સાથેની સરહદ પર સ્થિતિ હાલ સ્થિર છે, પરંતુ એકદમ અસાધારણ અને જોખમી છે. પીપલ્સ લિબરેશન આર્મીએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર તેના સૈનિકોને ઓછા પણ નથી કર્યા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું પણ સતત ચાલુ જ રાખ્યું છે. તેના સૈન્યની ગતિશીલતા અને કનેક્ટિવિટી સતત વધી રહી છે. જનરલ પાંડેએ ઉમેર્યું કે, ચીનનું બેવડું વલણ કોઈનાથી છુપુ નથી.