બીજિંગઃ દુનિયાભરમાં ડિજિટલ અને કેશલેસ વ્યવહારનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. આર્થિક વ્યવહારો ઓનલાઇન થઇ રહ્યા છે. જોકે આ મામલે ચીન એક ડગલું આગળ હોવાનું દેખાય છે. આ વાતનો અંદાજ તેના પરથી આવે છે કે આ દેશના ભિખારી પણ હવે ડિજિટલ થઈ ગયા છે! પહેલી નજરે વાત માન્યામાં ન આવે, પણ હકીકત છે. અહીંના ભિખારી ભીખ મેળવવા માટે ક્યુઆર કોડ અને ઈ-વોલેટનો ઉપયોગ કરી રહ્યાં છે. અને અઠવાડિયે સરેરાશ ૪૦૦ - ૪૫૦ પાઉન્ડ રળી લે છે.
આવા ભિખારીઓ ખાસ તો પર્યટન સ્થળો અને સબ-વે સ્ટેશનની આસપાસ વધુ જોવા મળે છે. આ લોકોમાંથી કેટલાકના ભીક્ષાપાત્રો પર ડિજિટલ પેમેન્ટના ક્યુઆર કોડ લગાવેલા જોવા મળે છે તો કેટલાકે વળી ગળામાં આવા ક્યુઆર કોડ લટકાવ્યા હોય છે. ચીનના ભિખારીઓને ડિજિટલ થવાનો સૌથી મોટો ફાયદો એ થયો છે કે તેમને આસાનીથી ભીખ મળી રહી છે અને કોઈ છૂટા પૈસા નથી તેવું બહાનું પણ કાઢી શકતા નથી. ક્યુઆર કોડના કારણે જેની પાસે છૂટા પૈસા નથી તે પણ ભીખ આપી શકે છે. આથી ભિખારીઓને ભીખ વધુ મળે છે.
આ ભિખારીઓ ગળામાં લટકાવેલા ક્યુઆર કોડની પ્રિન્ટઆઉટ કે હાથમાં રહેલો ક્યુઆર કોડ પ્રિન્ટ કરેલો કટોરો બતાવીને વિનંતી કરે છે કે તેઓ અલીબાબા ગ્રૂપના અલીપે કે ટેન્સેન્ટના વીચેટ વોલેટ દ્વારા આ કોડને સ્કેન કરીને તેમને ભીખ આપે.
જો દે ઉસકા ભી ભલા જો ના દે ઉસકા ભી ભલા
એક ટીવી ચેનલના રિપોર્ટ મુજબ આ સમગ્ર વ્યવસ્થા એક પ્રકારે બજાર સાથે જોડાઈ ગઈ છે. અનેક પ્રકારના સ્પોન્સર કોડ આવી ગયા છે. ભિખારીને માત્ર લોકોની ભીખમાંથી જ કમાણી થાય છે એવું નથી. વ્યક્તિ ભલે તેને કંઈ ભીખ ન આપે, પરંતુ જો તે વ્યક્તિ માત્ર સ્પોન્સર ક્યુઆર કોડ સ્કેન કરવા તૈયાર થઇ જાય તો પણ ભિખારીને નાની-મોટી રકમ મળી રહે છે.
ઘણા સ્થાનિક સ્ટાર્ટઅપ અને નાના વેપારી ભિખારીને ક્યુઆર કોડના દરેક સ્કેનદીઠ ચોક્કસ રકમ આપે છે. કારણ કે આ દરેક સ્કેનના માધ્યમથી કંપનીઓને લોકોનો ડેટા મળે છે. આ ડેટાને પછી વેચવામાં આવે છે. આ રીતે હવે ડિજિટલ અને કેસલેશ સિસ્ટમથી સપ્તાહમાં ૪૫ કલાક ભીખ માંગીને ચીની ભિખારી ૪૨૫થી ૪૫૦ પાઉન્ડ જેટલી કમાણી કરી લે છે.
ડિજિટલ વોલેટનો આસાન ઉપયોગ
ચીનમાં ભિખારીઓને પોતાનું એકાઉન્ટ ઓપરેટ કરવા માટે માટે મોબાઈલ ફોનની પણ જરૂર નથી કે બેન્ક એકાઉન્ટની પણ જરૂર પડતી નથી. ક્યુઆર કોડથી મળેલી રકમ સીધી તેમના ડિજિટલ વોલેટમાં જાય છે. આ ડિજિટલ વોલેટ થકી તે ગ્રોસરી સ્ટોર કે ચીજવસ્તુના સ્ટોરમાંથી ચીજવસ્તુ ખરીદી શકે છે.