બૈજિંગઃ ચીન ટેકનોલોજીના ક્ષેત્રમાં નીતનવી શોધખોળો માટે જાણીતું છે. હવે, તેમણે ડિઝાઈન કરેલો એઆઈ રોબોટ પોલીસ ચર્ચામાં આવ્યો છે. આ રોબોટને આરોપીઓને ઝડપી લેવાની સાથે સાથે ભીડનું નિયંત્રણ કરવા માટે તૈયાર કરાયો છે. ચીને વિકસાવેલો આ રોબોટ જમીન અને પાણીમાં કામ કરવા સક્ષમ છે. તે ખરાબ રસ્તાઓ પર આરામથી ચાલી શકે છે. તો આરોપીઓને ટ્રેક કરવા, ઝડપી લેવા અને તેમનો સામનો કરવા પણ પૂરતો સક્ષમ છે. આ રોબોટને બનાવવા માટે એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એઆઈ રોબોટનું વજન લગભગ 125 કિલોગ્રામ છે. જેમાં, એઆઈનો તડકો ઉમેરવામાં આવ્યો છે. આ રોબોટમાં નેટ ગન, ટિયર સ્પ્રે જેવા ઉપકરણો ઉમેરવામાં આવ્યા છે. તે 35 કિમીની સ્પીડે દોડી શકે છે. સોશિયલ મીડિયામાં તેનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. સ્વીડનની ઉપ્સાલા યુનિવર્સિટીની રિસર્ચ ટીમથી પ્રેરિત થઈને ચીનની ઝેઝિયાંગ યુનિવર્સિટીએ તેને ડેવલપ કર્યો છે. આ રોબોટનું નિર્માણ 2017માં શરૂ થયું હતું. આજકાલ તે પોલીસ પાર્ટી સાથે પેટ્રોલિંગ કરતો જોવા મળે છે, અને તે ‘ડ્યુટી પર નીકળે છે’ ત્યારે લોકો જોતાં જ રહી જાય છે.