નવીદિલ્હી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા ૨૧-૨૨ જૂલાઈના રોજ અચાનક તિબેટની મુલાકાત લેવામાં આવી હતી. તેઓ ભારતની અરુણાચલ બોર્ડર નજીક આવેલા તિબેટનાં ટાઉન ન્યિંગચી તેમજ લ્હાસાની મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાતે તિબેટ તેમજ ભારતનાં સત્તાવાળાઓમાં આશ્ચર્ય સર્જ્યું છે. જિનપિંગ તિબેટનાં ટાઉન ન્યિંગચી તેમજ લ્હાસા ગયા હતા અને ભારતની બોર્ડર નજીક તાજેતરમાં ચીન દ્વારા બનાવવામાં આવેલી નવી રેલવે લાઈન તેમજ રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું. જિનપિંગની આ મુલાકાતે ફરી એકવાર તિબેટ પર ચીનનાં વર્ચસ્વને પુરવાર કર્યું છે. ન્યિંગચી એ ભારતની અરુણાચલ સરહદે આવેલું તિબેટનું ટાઉન છે જે ચીન માટે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ ન્યિંગચીનાં એરપોર્ટ પર ઊતર્યા હતા અને ટાઉનની મુલાકાત લીધી હતી.
તિબેટમાં દરેક પરિવારના એક સભ્યને સેનામાં જોડાવાનો આદેશ
તિબેટ પર કબજો જમાવ્યા બાદ તિબેટિયનોના હંમેશા હામી રહેલા ભારત સામે સ્થાનિક લડાકુઓ અને તિબેટિયન યુવાનોને લડાવી મારવાની ખંધી ચાલ ચીની ડ્રેગને શરૂ કરી છે. ભારત સાથેની સરહદ પર ચીની સેના તિબેટના યુવાનો, સરહદી ગામોના સ્થાનિક લડાકુઓને સૈનિકો અને ગાઇડ તરીકે ભરતી કરી રહી છે. ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચીને તિબેટના દરેક પરિવાર માટે એક યુવાનને સેનામાં ભરતી કરવાનું ફરજિયાત બનાવી દીધું છે. ભારત અને ચીન વચ્ચે કોર્પસ કમાન્ડર સ્તરની ૧૨મા રાઉન્ડની બેઠક યોજાય તે પહેલાં ચીની સેના લદ્દાખથી અરુણાચલપ્રદેશ સુધીની ભારત સાથેની એલએસીના તમામ સેક્ટરમાં લશ્કરી પ્રવૃત્તિઓ વધારી રહી છે.