સુરત: ચીનના દક્ષિણના કાંઠે નીડા વાવાઝોડું ત્રાટકતાં આ વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ છે. આ વાવાઝોડાની અસર ચીનના સેનઝેન શહેર પર પણ પડી છે. આ શહેરમાં સંખ્યાબંધ ગુજરાતીઓ વસે છે અને વેપાર માટે અવરજવર કરે છે. બીજી ઓગસ્ટે આવેલા વાવાઝોડામાં આશરે ૧૮૦૦ જેટલા ગુજરાતીઓ ફસાઇ ગયા હતા. જોકે, ત્રીજી ઓગસ્ટે પરિસ્થિતિ થાળે પડતાં તમામે હાશકારો અનુભવ્યો હતો. બીજીએ તોફાનમાં ઇમારતો પત્તાંની જેમ તૂટી પડી હતી. ત્રીજીએ બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો થયો હતો. આ વાવાઝોડું ત્રાટક્યું તે સમયે સુરતના રાંદેર રોડ વિસ્તારમાં રહેતા અને મોબાઇલ ફોનના બિઝનેસ સાથે સંકળાયેલા શહીદભાઇ મોતીવાલા ચીનના સેનઝેન શહેરમાં જ હતા. તેમના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસથી ચીનમાં વાવાઝોડાની ચેતવણી આપી દેવામાં આવી હતી. જેવું વાવાઝોડું આવ્યું ત્યારે ચારેબાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમણે તેમજ તેમના મિત્રોએ જુદા જુદા સ્થળેથી વાવાઝોડાંની તસવીરો ઉતારીને ભારત મોકલાવી હતી. જેમાં બે ઇમારતો પત્તાંના મહેલની જેમ ઉડતી જોવા મળી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાવાઝોડું આવ્યું તે સમયે ચીનના સેનઝેન શહેરમાં આશરે ૧૮૦૦ જેટલા ગુજરાતીઓ ફસાયા હતા. જે પૈકી કેટલાક અહીં વ્યવસાય કરે છે જ્યારે કેટલાક વેપાર અર્થે અવરજવર કરતાં હોય છે. વધુ મળતી માહિતી અનુસાર આ વાવાઝોડાનું નામ નીડા હતું અને હોંગકોંગમાં તેની અસર સૌથી વધુ જોવા મળી હતી. જોકે આ વાવાઝોડાની આગાહી અગાઉથી જ કરી દેવાઈ હોવાથી શાળા કોલેજો અને વ્યાપારી સંકુલો બંધ કરી દેવાયા હતા. તેના કારણે કોઇ જાનહાની થઇ ન હતી. જો કે, આજે બપોરથી સેનઝેનમાં પણ પરિસ્થીતી થાળે પડી હોવાથી ફસાયેલા ગુજરાતીઓ ત્યાંથી નીકળી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે.