બૈજિંગઃ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશના લોકો જાણે આઈડેન્ટિટી ક્રાઈસીસ સામે ઝઝૂમી રહ્યા છે. ચીનના ૧૩૭ કરોડ લોકો વચ્ચે માત્ર ૬૦૦૦ અટકો જ અસ્તિત્વ ધરાવે છે અને ૧૨૦ કરોડની વસ્તી વચ્ચે માત્ર ૧૦૦ અટકો છે. એક સમયે ચીનમાં ૨૩ હજાર અટક અસ્તિત્વ ધરાવતી હતી, પરંતુ સરકારની નવી પોલિસીના કારણે લોકો પરંપરાગત ઓળખ ગુમાવી રહ્યા છે.
સમગ્ર પરિવારના નામની સાથે જે કોમન નામ જોડાયેલું હોય તે સરનેમ એટલે કે અટક કહેવાય છે. આ નામ સામાન્ય રીતે કુળનું નામ કે પરિવારનો જ્યાંથી ઉદ્દભવ થયો હોય એ સ્થળનું નામ અથવા તો ધંધા-રોજગારના આધારે પડે છે અને તેમાં અપાર વૈવિધ્ય હોય છે. જોકે દુનિયાની સૌથી વધુ વસતિ ધરાવતા ચીનમાં સરકારે અટકોનું વૈવિધ્ય ખતમ કરી નાખ્યું છે.
બૈજિંગ નોર્મલ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ચેન જિયાવેઈના કહેવા પ્રમાણે ચીનમાં અટક ઘટી જવા પાછળ ત્રણ કારણો છેઃ સાંસ્કૃતિક વૈવિધ્ય ઘટ્યું છે, ભાષાની સમસ્યા છે અને ડિજિટલ યુગની ટેક્નિકમાં ગરબડ છે. આ ત્રણ કારણોના લીધે ચીનમાં એક સમયે અટકનો આંકડો ૨૩ હજાર સુધી પહોંચતો હતો, જે આજે ઘટીને માત્ર છ હજાર સુધી સીમિત થઈ ગયો છે.
ચીનના સરકારી ગેજેટની કમ્પ્યુટર સિસ્ટમમાં અમુક શબ્દો જ માન્ય રખાયા છે. તેના કારણે લોકો ચોક્કસ અટક પસંદ કરવા મજબૂર બની ગયા છે. ચીનના ૪૩.૩ કરોડ લોકોની અટક વાંગ, લી, ઝાંગ, લૂયી અને ચેન છે. ચીનની ૮૬ ટકા વસ્તી વચ્ચે ૧૦૦ સરનેમ છે. બીજા શબ્દોમાં કહીએ તો ૮૬ ટકા વસ્તીના નામમાં ૧૦૦માંથી કોઈ એક અટક લખાય છે.
ચીનની ભાષામાં અસંખ્ય કેરેક્ટર્સ છે, અને કામકાજ ઝડપી બનાવવાના નામે ચીનની સરકારે ગેજેટ સિસ્ટમમાં અમુક હજાર શબ્દો જ માન્ય ગણ્યા છે. તેના કારણે ચીનમાં ફરજિયાત લોકોએ જૂની અટકો બદલીને ૬૦૦૦ અટકોમાંથી કોઈ એક પસંદ કરવી પડે એવી સ્થિતિ છે.