નવી દિલ્હીઃ ચીનનાં મુસ્લિમ ડિટેન્શન કેમ્પની પોલ ખોલનાર ભારતવંશી પત્રકાર મેઘા રાજગોપાલનને તેમનાં ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટ માટે પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તેમની સાથે બે અન્ય કોન્ટ્રીબ્યુટર્સને વિજેતા જાહેર કરાયા છે. મેઘા રાજગોપાલન દ્વારા ચીનનાં ઝીનઝિયાંગ પ્રાંતમાં પકડવામાં આવેલા ઉઈઘૂર મુસ્લિમોનાં ડિટેન્શન કેમ્પનું ઈન્ફ્રાસ્ટ્રાકચર કેવું છે તે અંગે ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
પત્રકારત્વમાં શ્રેષ્ઠ અને પ્રતિષ્ઠિત ગણાતા પુલિત્ઝર પ્રાઈઝની ૧૧ જૂને અમેરિકામાં જાહેરાત કરાઈ હતી, જેમાં બે ભારતવંશી પત્રકારો મેઘા ગોપાલન અને નીલ બેદીએ આ સન્માન મેળવ્યું છે. પબ્લિક સર્વિસમાં પુલિત્ઝર મેળવનારને ગોલ્ડ મેડલ એનાયત થાય છે જ્યારે અન્ય કેટેગરીમાં દરેકને ૧૫,૦૦૦ ડોલર ઈનામ પેટે આપવામાં આવે છે. કોલંબિયા યુનિવર્સિટી દ્વારા આ પ્રાઈઝ અપાય છે.
મેઘા રાજગોપાલન BUZZFEED ન્યૂઝમાં ફરજ બજાવે છે. ચીને ૨૦૧૭માં તેનાં ઝિનઝિયાંગ પ્રાંતમાં હજારો મુસ્લિમોને પકડવાનું શરૂ કર્યું હતું. ત્યારે મેઘા રાજગોપાલન દ્વારા તેનાં ડિટેન્શન કેમ્પની મુલાકાત લઈને મુસ્લિમોની બદતર સ્થિતિ અંગેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ચીન તે વખતે આવું ડિટેન્શન કેમ્પ જેવું કોઈ સ્થળ અસ્તિત્વમાં હોવાનો સતત ઈનકાર કરતું હતું તેમ બઝફીડ ન્યૂઝે જણાવ્યું હતું. તે વખતે ચીન સરકારે મેઘા રાજગોપાલનને ચૂપ કરવાનાં પ્રયાસો કર્યા હતા અને તેનો વિઝા રદ કરાયો હતો તેમજ દેશમાંથી ભગાડી મુકવામાં આવ્યા હતા તેમ બઝફીડ ન્યૂઝે તેની પ્રાઈઝ માટેની એન્ટ્રીનાં ફોર્મમાં લખ્યું હતું. ચીને કેદીઓને પુરવા માટે ગુપ્ત રીતે ઝિનઝિયાંગમાં જેલો બનાવી હતી.
મેઘાએ બે સાથી મિત્રો સાથે રિપોર્ટિંગ કર્યું હતું
લંડનથી કામ કરનાર મેઘા રાજગોપાલને તે વખતે ચૂપ રહેવા ઈનકાર કર્યો હતો. તેમણે બે સાથી મિત્રોની કોન્ટ્રિબ્યુટર્સ તરીકે મદદ લીધી હતી જેમાં એક એલિસન કિલિંગ હતા, જેઓ આર્કિટેક્ટ છે અને ફોરેન્સિક એનાલિસિસ તથા બિલ્ડિંગ્સની સેટેલાઈટ ઈમેજીસના એનાલિસીસમાં નિષ્ણાત છે. બીજા ક્રિસ્ટો બુશ્ચેક હતા, જેઓ પ્રોગ્રામર છે અને પત્રકારો માટે ડેટા એકઠા કરવા ટૂલ્સ બનાવ્યું છે. મેઘા રાજગોપાલનનો રિપોર્ટ માનવ અધિકારોનો ખરાબમાં ખરાબ રીતે ભંગ કરનાર સ્થિતિને પ્રકાશમાં લાવનારો હતો તેમ બઝફીડ ન્યૂઝનાં એડિટર માર્ક શૂફે જણાવ્યું હતું.
પ્રાઈઝ મળશે તેવી આશા ન હતીઃ મેઘા
મેઘા રાજગોપાલને કહ્યું કે તેને પુલિત્ઝર પ્રાઈઝ મળશે તેવી આશા ન હતી. તેઓ કાર્યક્રમ લાઈવ જોતા ન હતા. તેમને જ્યારે ફોન પર તેમના નામની જાણ કરાઈ ત્યારે આનંદથી ઝુમી ઉઠયા હતા. તેમને ઈન્ટરનેશનલ રિપોર્ટિંગ કેટેગરીમાં પ્રાઈઝ અપાયું હતું.
નીલ બેદીને પણ પુલિત્ઝર પ્રાઈઝ
બીજા એક મૂળ ભારતીય અમેરિકન નીલ બેદીને પણ પુલિત્ઝર પ્રાઈઝ આપવામાં આવ્યું હતું. તેમને લોકલ રિપોર્ટિંગ કેટેગરીમાં ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટ માટે પસંદ કરાયા છે. ફ્લોરિડામાં પોલીસ દ્વારા સંભવિત ક્રિમિનલ બાળકોને શોધવા માટે એન્ફોર્સમેન્ટ અધિકારીઓ દ્વારા સત્તા અને કાયદાનો દુરુપયોગ કેવી રીતે કરાય છે તેનો રિપોર્ટ તેમણે ‘ટેમ્પા બે ટાઈમ્સ’નાં એડિટર સાથે મળીને તૈયાર કર્યો હતો.
બ્લેક લાઈવ્ઝ મેટર્સનાં રિપોર્ટિંગ માટે એવોર્ડ
‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’ને કોરોનાનાં કવરેજ માટે પબ્લિક સર્વિસ એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે મિનિયોપોલિસનાં ‘સ્ટાર ટ્રિબ્યૂન’ને અશ્વેત જ્યોર્જ ફ્લોઈડની હત્યા પછી બ્લેક લાઈવ્ઝ મેટર્સ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનોનાં કવરેજ માટે એવોર્ડ અપાયો હતો. બ્લેક લાઈવ્ઝ મેટર્સ માટે એસોસિએટેડ પ્રેસને ફોટોગ્રાફી કેટગરીમાં બે એવોર્ડ અપાયા છે.
ફ્લોઈડની હત્યાનો વીડિયો બનાવનારને સ્પેશિયલ એવોર્ડ
અમેરિકાનાં મિનિયાપોલિસમાં ગયા વર્ષે ૨૫ મેનાં રોજ અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડનું પોલીસ અધિકારી દ્વારા પગથી ગળુ દબાવીને હત્યા કરાઈ હતી. આ ઘટનાનો વીડિયો બનાવનાર ૧૭ વર્ષની અશ્વેત યુવતી ડેરનેલા ફ્રેઝિયરને તેની બહાદુરી માટે સ્પેશ્યલ પુલિત્ઝર એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેનો વીડિયો વાઈરલ થયો હતો અને કોર્ટમાં પૂરાવા તરીકે માન્ય રખાયો હતો.