નવી દિલ્હીઃ ચીનનાં એન્ટિ કોવિડ ઈનિશીયેટિવમાં જોડાવા ભારતને અપાયેલા આમંત્રણનો ભારતે અસ્વીકાર કર્યો છે. ચીન દ્વારા દક્ષિણ એશિયાનાં દેશોની સાથે મળીને સંયુક્ત રીતે કોરોનાની મહામારી સામે લડવા પહેલ કરવામાં આવી છે. ચીનનાં વિદેશ પ્રધાન વાંગ યી દ્વારા કોવિડ સામે લડવા નેપાળ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને શ્રીલંકાનાં વિદેશ પ્રધાનો સાથે વાતચીત કરવામાં આવી હતી.
ભારત ખાતેનાં ચીનનાં રાજદૂત સુન વેઈદોન્ગે કહ્યું હતું કે ચીન દ્વારા ભારતને પણ આ બેઠકમાં સામેલ થવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ચીન દ્વારા આ પ્રકારનાં કરવામાં આવેલા આયોજનને ભારત માન્ય રાખતું નથી. પડોશી દેશો દ્વારા તેમાં સામેલ થવાનાં પોતપોતાનાં નિર્ણયો મહત્વનાં છે.
પડોશી દેશો ચીનની શરણમાં
ભારત દ્વારા તેનાં પડોશી દેશોને કોરોના વેક્સિનની નિકાસ કરવામાં આવી હતી. ભારતે નિકાસ બંધ કરી તે પછી નેપાળ અને શ્રીલંકા જેવા દેશોએ ચીન પાસેથી વેક્સિન મેળવવા નજર દોડાવી હતી. બાંગ્લાદેશે પણ તાજેતરમાં સીરમ દ્વારા વેક્સિન સપ્લાયમાં વિલંબ પછી ચીન પાસેથી વેક્સિન મેળવવા પ્રયાસો કર્યા હતા.