બેઈજિંગઃ પૂર્વોત્તર ચીનમાં એક અનોખી બેંક ધમધમે છે, જે આર્થિક વ્યવહાર નહીં, નૈતિક મૂલ્યોને બિરદાવવાનું કામ કરે છે. ચીનના યાંજી શહેરમાં આ મોરાલિટી બેંક છે, જે સમાજ માટે કંઇક સારું કામ કરનારને મફત સેવાઓ સ્વરૂપે ઈનામ આપીને બિરદાવે છે. બેંક લોકોને તેમના સારા કાર્યની પ્રકૃતિના આધારે પોઈન્ટ્સ આપે છે. કોઈનું ગુમ થયેલું પાકિટ પરત પહોંચાડવામાં આવે તો એકાઉન્ટ હોલ્ડરને ૫૦ પોઈન્ટ્સ મળે છે. જો કોઈ વ્યક્તિ ભયમાં હોય અને તેની મદદ કરવામાં આવે તો ૩૦૦થી ૫૦૦ પોઈન્ટ્સ મળે છે. બેંક જે ઈનામ આપે છે તેમાં સૌથી ઓછા ૧૫૦ પોઇન્ટ મફત હેરકટીંગ સર્વિસ માટે છે. આનાથી વધુ પોઈન્ટ્સ થાય તો મફતમાં ઘરની સફાઈ કે હેલ્થ ચેકઅપ સર્વિસનો લાભ મળશે.