નવી દિલ્હીઃ કોરોના સામેના જંગમાં ચીન દ્વારા ભારતને સાથ આપવાનો વાયદો કરાયો હતો, પરંતુ મદદ કરવાની વાત તો દૂરની રહી તે પહેલાં જ ડ્રેગનનો અસલ ચહેરો સામે આવી ગયો છે. ચીને ભારતના મેડિકલ સાધન-સામગ્રીની સપ્લાય હાલમાં આપવાનો નનૈયો ભણી દીધો છે. ચીનની સરકારી સિચુઆન એરલાઈન્સે ભારતના માટે પોતાના તમામ કાર્ગો એટલે કે માલવાહક વિમાનોની ઉડાનોને આગામી ૧૫ દિવસો માટે સ્થગિત કરી દીધી છે.
એરલાઈન્સે પત્રમાં જણાવ્યું છે કે શિયાન-દિલ્હી સહિત છ માર્ગો પર પોતાની કાર્ગો સેવા સ્થગિત કરી રહી છે. આ નિર્ણય સરહદની બંને બાજુ ખાનગી વ્યવસાયીઓ દ્વારા ચીનથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર ખરીદવાની પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન લેવાયો છે. કંપનીએ પત્રમાં કહ્યુ છે કે ભારતમાં મહામારીની સ્થિતિ વધવાના કારણે આયાતની સંખ્યામાં ઘટાડો થયો છે. આ સ્થિતિમાં આગામી ૧૫ દિવસોના માટે ઉડાનોને સ્થગિત કરવામાં આવી રહી છે. ચીને એક નિવેદનમાં જણાવ્યું છે કે સપ્લાય રોકવાના નિર્ણયથી અહીંયાની કંપનીને ભારે નુકસાન થયું છે. તેના માટે અમે માફી માગીએ છીએ. ભારતીય માર્ગ હંમેશાથી જ સિચુઆન એરલાઈન્સનો મુખ્ય રણનીતિજ્ઞ માર્ગ રહ્યો છે. પત્ર મુજબ કાર્ગો ઉડાનોને સ્થગિત કરવાથી એજન્ટ અને સામાન મોકલનારા લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. તે સાથે જ એવી પણ ફરિયાદ છે કે ચીની ઉત્પાદકોએ ઓક્સિજન સંબંધિત ઉપકરણોની કિંમતમાં ૩૫થી ૪૦ ટકાનો વધારો ઝીંકી દીધો છે. તેની સાથે માલવહન કરવાના ચાર્જમાં પણ લગભગ ૨૦ ટકા સુધીનો વધારો કરી દીધો છે.