બિજિંગઃ સિક્કીમ સરહદના મુદ્દે ભારત અને ચીન વચ્ચે તનાવ હળવો બને એવા કોઈ એંધાણ નથી. ૨૯મીએ ચીનના સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ ભારતીય સૈન્ય પર ઘૂસણખોરીનો ફરી આક્ષેપ કર્યો હતો. એટલું નહીં તેમણે ૧૯૬૨ના યુદ્ધની યાદ અપાવતા ગર્ભિત ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે, ભારત ઈતિહાસનો બોધપાઠ ભૂલે નહીં. ૨૯મીએ જોકે ભારતીય આર્મીના વડા બિપિન રાવતે સિક્કીમ પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી હતી.
ચીને ૨૯મીએ પણ ભારત પર ઘૂસણખોરીના આક્ષેપો યથાવત રાખતા ભારતીય સૈન્યનને પીછેહઠ કરવાની ચેતવણી આપી હતી. અસામાન્ય ઘટનાક્રમ તરીકે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકત્તા લુ કાંગે ભારતીય સૈન્ય દ્વારા સિક્કીમ સરહદે કથિત ઘૂસણખોરીની તસવીરો જાહેર કરી હતી. ચીની પ્રવક્ત્તાએ જણાવ્યું હતું કે ભારતીય સૈન્ય પીછેહઠ કરશે તો સરહદે તંગદીલીમાં ઘટાડો થશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકત્તાએ બેજિંગમાં એક પત્રકાર પરિષદ યોજીને ભારતીય સૈન્ય પર ગેરકાયદે રીતે ચીની હદમાં પ્રવેશવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મુદ્દે ભારતના વિદેશ મંત્રાલય સાથે વાતચીત ચાલી રહી છે.
બીજી તરફ ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવકત્તા કર્નલ વુ કીઆને ચીનના સૈન્ય દ્વારા ઘૂસણખોરી કરવામાં આવી હોવાના આક્ષેપો નકાર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ચીનના સૈનિકો માત્ર પોતાના વિસ્તાર સુધી મર્યાદિત રહ્યા હતા. સાથે તેમણે ભારતને ભૂલ સુધારી લેવા જણાવ્યું હતું.