નવી દિલ્હીઃ એક તરફ લદ્દાખમાં એલએસી ખાતે તણાવ પ્રવર્તે છે ત્યારે ચીની સેનાએ હિમાચલ પ્રદેશમાં એલએસી પર સડક નિર્માણ શરૂ કર્યું છે. હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના સૌથી છેલ્લા સરહદી ગામ કુન્નુ ચારંગના ગ્રામીણોએ એલએસી પર ચીની પ્રદેશમાં રેકી કર્યા બાદ દાવો કર્યો છે કે છેલ્લા બે મહિનામાં ચીની સેનાએ એલએસી નજીક ૨૦ કિમી લાંબી સડકનું નિર્માણ કરી નાંખ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે ચીન રાતના અંધારામાં ખેમકુલ્લા પાસ નજીક નો-મેન્સ લેન્ડમાં સડક બનાવી રહ્યું છે. બીજી તરફ, કિન્નૌરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનું કહેવું છે કે, લાંબી સડક આટલા સમયમાં બની શકે નહીં. પોલીસ વડાનું કહેવું છે કે ભારતીય પ્રદેશમાં ચીન દ્વારા કોઇ ગતિવિધિ થઇ રહી નથી તેથી ગભરાવાની જરૂર નથી. કુન્નુ ચારંગ ગામના સરપંચે જણાવ્યું હતું કે, કેટલાક ગ્રામીણ ખેમકુલ્લા પાસ ગયા હતા. આટલી લાંબી સડક રાતોરાત બની જતી નથી. તેનું નિર્માણ મહિનાઓથી ચાલી રહ્યું હશે. સરપંચે આ મુદ્દે સુરક્ષા એજન્સીઓની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
એમ કહેવાય છે કે આ ગામના ૯ લોકો ૧૬ ખચ્ચર અને પાંચ પોર્ટર સાથે ગામથી ૨૨ કિમી દૂર આવેલી સરહદ સુધી ગયા હતા. તેમની સાથે ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસ (આઇટીબીપી)ના કેટલાક જવાન પણ હતા.
ચીને બે મહિનામાં લગભગ ૨૦ કિમી લાંબી સડકનું નિર્માણ કરી નાંખ્યું છે. ગ્રામજનોનો દાવો છે કે ઓક્ટોબર ૨૦૧૯ સુધી તિબેટના અંતિમ ગામ તાંગો સુધી જ સડક હતી. સાંગલી ઘાટીના છિતકુલ વિસ્તારમાં પણ ચીન સરહદ પર યમરંગ લા તરફ સડક નિર્માણ કરી રહ્યો છે. ગ્રામીણોના જણાવ્યા અનુસાર ચીન સરહદથી માત્ર બે કિલોમીટરના અંતર દૂર સુધી સડક બનાવી ચૂક્યો છે. અમે સરહદ પાર સડક નિર્માણની મોટી મશીનરી જોઇ હતી.